પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સરદાર વલ્લભભાઈ


પાડે અને એ રીતે પ્રજામાં અંદર અંદર ઘર્ષણ ઊભું થાય એ બરાબર નથી એવી એમની દલીલ હતી. એમને બહુ સમજાવવામાં આવ્યા ત્યારે આખરે એક્કે તરફ મત ન આપવાને તેઓ કબૂલ થયા. સરદારે ગાંધીજીને કહ્યું કે હવે તમારે વિશેષ ખેંચવું ન જોઈએ. ગાંધીજીએ એ વાત સ્વીકારી. તેમની બીજી માગણી એ હતી કે જો આપણે ખેડા જિલ્લામાં લડત ઉપાડવી જ પડે તો ગુજરાત સભાના પીઢ કાર્યકર્તાઓમાંથી કોઈક એકે તો મારી સાથે ખેડા જિલ્લામાં આવીને લડત પૂરી થાય ત્યાં સુધી બેસી જવું જોઈએ. પછી વકીલાત માટે કે બીજા કામ માટે આવજા કરે તે ન ચાલે. પેલા ભાઈઓમાંથી તો કોઈ તૈયાર થાય એમ હતું જ નહીં. પણ સરદાર એ બીડું ઝડપવા તૈયાર થયા ત્યારે ગાંધીજી બહુ રાજી થયા. પછી ગુજરાત સભાએ બે ઠરાવો પસાર કર્યા. એક ઠરાવમાં તા. ૧લીના રોજ સભાએ કરેલી અરજીનો નિકાલ થાય ત્યાં સુધી વસૂલાત મુલતવી રાખવાની સરકારને વિનંતી કરી. બીજા ઠરાવમાં ખેડા જિલ્લાની પ્રજાને ખબર આપવાનો નીચે મુજબને મુસદ્દો પસાર કરવામાં આવ્યો:

ખેડા જિલ્લાની પ્રજાને ખબર

“ખેડા જિલ્લાનાં જુદાં જુદાં સ્થળેથી પૂછવામાં આવે છે કે વિઘોટી મુલતવી રહેવાની હિલચાલ સંબંધી શું થયું, અને રેવન્યુ ખાતા તરફથી વિઘોટી માટે તાકીદ થાય છે, તે સંબંધે શું કરવું? આ સંબંધમાં જણાવવાનું કે મુંબઈ સરકાર તરફથી હજી સુધી જવાબ મળ્યો નથી. તેથી જ્યાં સુધી મુંબઈ સરકારનો છેવટનો ઠરાવ માલૂમ નથી પડ્યો ત્યાં સુધી જેઓને પાક મુદ્દલ ન થયો હોય તેમણે હાલ વાટ જોવી અને વિઘોટી ભરવાનું મુલતવી રાખવું એ સલાહભરેલું છે.”

ત્રીજો ઠરાવ એ કર્યો કે કમિશનર સાથે આ આખા પ્રશ્નની મસલત કરવા મંત્રી ઉપરાંત નીચેના સભ્યોએ જવું:

રા. બ. રમણભાઈ, રા. સા. હરિલાલ દેસાઈભાઈ, શ્રી મૂળચંદ આશારામ શાહ, શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ અને શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ.

પછી ગાંધીજી ચંપારણ જવા ઊપડી ગયા.

ખેડા જિલ્લાના સઘળા જ તાલુકાના મામલતદારોએ કપડવંજના જેવા જ સર્ક્યુલરો તા. ૮-૧-’૧૮ સુધીમાં કાઢી દીધા હતા. તેમાં નીચેનાં વાક્યો ખાસ ઉમેરવામાં આવ્યાં હતાં:

“... મુખી તલાટીને વસૂલ ન કરવા બાબત જવાબદાર ગણવામાં આવશે. . . .”
“... મહેસૂલ ન ભરનાર ઉપર સખ્તાઈના ઉપાયો, જેવા કે ચેાથાઈ દંડ, જમીન ખાલસા, જપ્તીઓ, વગેરે કાયદેસર લેવાં....”