પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
ખેડા સત્યાગ્રહ - ૧


ફરી પાકની આનાવારીની તપાસ કરવી એવો ઠરાવ થયો. સત્યાગ્રહ શરૂ કર્યા વિના બીજો ઉપાય નથી એમ હવે સ્પષ્ટ દેખાતું હતું. ગુજરાત સભાના બધા સભ્યો સત્યાગ્રહનો ઉપાય લેવામાં ન પણ માનતા હોય એટલે હવેના કામમાં આખી સંસ્થાને ન સંડોવવાના ઈરાદાથી ગાંધીજીએ પોતાની અંગત જવાબદારી ઉપર કામ કરવા માંડ્યું. સભાના જે સભ્ય આ કામમાં સામેલ થાય તેઓ પોતાની અંગત જવાબદારી ઉપર કામ કરે એમ સમજૂત થઈ. બીજે દિવસે તા. ૧૬મીએ ગાંધીજી સાથે લગભગ વીસેક જણનું મંડળ નડિયાદ ઊપડ્યું અને ત્યાંના અનાથાશ્રમમાં મુકામ કર્યો. એમાં સરદાર પણ હતા. અત્યાર સુધી ગુજરાત સભાના એક સભાસદ તરીકે આ કામમાં પ્રસંગોપાત્ત તેઓ ભાગ લેતા પણ હવે આ કામમાં તેમણે પૂરેપૂરું ઝંપલાવ્યું. કોટ, પાટલૂન, હૅટ છોડીને ધોતિયું, ખમીસ તથા ઉપર હાફકોટ અને માથે ટરકીશ ઘાટની ટોપી જે બેંગલોર કૅપ કહેવાતી તે પહેરીને તેઓ નડિયાદ ગયા. જતાં પહેલાં ગાંધીજીએ કમિશનરને લાંબો કાગળ લખ્યા. તેમાં છેવટના ભાગમાં જણાવ્યું કે :

“હું તમને સંપૂર્ણ ખાતરી આપવા માગું છું કે ખાલી ચળવળ ઊભી કરવાની કે તેને વિના કારણે ઉત્તેજન આપવાની મારી લેશમાત્ર ઇચ્છા નથી. હું કેવળ શુદ્ધ સત્ય શોધવાની ખાતર જ ખેડા જિલ્લામાં જાઉં છું. હું જોઉં છું કે તમારા સ્થાનિક અમલદારોના હેવાલો ખોટા પુરવાર ન થાય ત્યાં સુધી તમે મચક આપવાના નથી. વળી જિલ્લાના પ્રતિષ્ઠિત આગેવાનોની દૃઢ માન્યતા હોવા છતાં ખરી હકીકતની મારે જાતે ખાતરી કરી લેવી જોઈએ.
“મારી તપાસનું પરિણામ જણાય ત્યાં સુધી જમીનમહેસૂલ ઉઘરાવવાનું કામ તમે મુલતવી રખાવશો તો તેમાં ફેલાયેલા અસંતોષને શાન્ત પાડવામાં તે ભારે મદદરૂપ થઈ પડશે.
“લોકસેવક તરીકે મને જેટલી સહાય કરી શકાય તેટલી કરવા તમે કલેક્ટરને સૂચવશો. મારી તપાસ દરમ્યાન તમારા કોઈ પ્રતિનિધિને મારી સાથે મોકલો તો મને હરકત નથી. . . .”
તે જ દિવસે કમિશનરે જવાબ આપ્યો. તેમાં જણાવ્યું કે :
"....તપાસ ચાલતાં સુધી મહેસૂલવસૂલાતનું કામ મુલતવી રાખવાની માગણી ફરીથી કરવામાં આવી છે પણ તેમ કરવાની બિલકુલ જરૂર જણાતી નથી. . . કલેક્ટર મિ. ઘોશલ પાસે તમે માગણી કરશો તો જરૂરી માહિતી અને મદદ તેઓ આપશે. . . . "

તા. ૧૬મીએ નડિયાદ પહોંચી કાર્યકર્તાઓની ટુકડીઓ પાડી નાખી તેમને ગામોની વહેંચણી કરી આપવામાં આવી અને બીજા દિવસથી કામ શરૂ કર્યું. બધાએ એક અઠવાડિયામાં પોતપોતાને સોંપેલું કામ પૂરું કરી તેનો હેવાલ