પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
ખેડા સત્યાગ્રહ - ૨


જિલ્લાની પ્રજાને અને ગુજરાતના કાર્યકર્તાઓને માટે આ કીમતી તાલીમ હતી. સરદારમાં નેતાગીરીના ગુણો જન્મથી જ હતા પણ આ લડતમાં તો તેમણે ખરેખરી સિપાહીગીરી બજાવી હતી. તેઓ ના છૂટકે જ બોલતા. ગાંધીજી કેવી રીતે સરકારી અમલદારો સાથે પત્રવહેવાર ચલાવે છે તથા વાતચીત કરે છે, કેવી રીતે પ્રજાને કસે છે અને ચઢાવે છે અને તીવ્રમાં તીવ્ર લડત ચાલતી હોય ત્યારે પણ સમાધાનીના પ્રયત્ન તો ચાલુ જ રાખે છે, તેની એક પણ તક જવા દેતા નથી એ બધું પોતાની તીક્ષ્ણ નજરથી તેઓ નિહાળતા હતા. આ લડતમાં મળેલી દીક્ષા અને પદાર્થપાઠથી થોડાં જ વર્ષોમાં ગાંધીજીને ગુજરાતને વિષે તેઓ બિલકુલ નિશ્ચિંત કરી શક્યા. બીજી તરફથી ગાંધીજી પણ સરદારને બારીકાઈથી નિહાળી રહ્યા હતા. તા. ૪ થી એપ્રિલના રોજ કરમસદની સભામાં ગાંધીજીએ કાઢેલા નીચેના ઉદ્‌ગારો આ વસ્તુની આપણને પ્રતીતિ કરાવે છે :

“આ ગામ વલ્લભભાઈનું છે. વલ્લભભાઈ જોકે હજી ભઠ્ઠીમાં છે. એમણે સારી રીતે તપવાનું છે. મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.”

આ સભામાં પ્રતિજ્ઞા ઉપર ખેડૂતોની સહીઓ લેવાનું કામ ચાલતું હતું તે દરમિયાન ગાંધીજીએ કહ્યું કે, કોઈને કાંઈ શંકા હોય અને પૂછવું હોય તો પૂછો. એક જણે કહ્યું કે, ગામમાં વિરુદ્ધ પક્ષના કેટલાક એવા છે કે જેઓ સરકાર જમીન વેચે તેની રાહ જોઈને જ બેઠા છે અને હરાજી થયે તરત લઈ લેશે. ગાંધીજીએ જવાબ આપ્યો તે બહુ સૂચક છે. જમીન ઉપર સરકારનો હક કેટલો અને ખેડૂતનો હક કેટલો તે વિષે કાયદામાં ગમે તે લખ્યું હોય, પણ તે બાબત ગાંધીજીની લાગણી કેટલી તીવ્ર હતી તે એમાં વ્યક્ત થાય છે:

“ભીખ માગતા થવાની તો આ લડત છે. બદદાનત રાખીને જે આપણી જમીન ઉપર ટાંપીને બેઠા છે, તેઓ તે લઈને પચાવી શકવાના નથી. સરકાર પણ જમીન ઉપર હાથ નાખશે ત્યારે આપણે તેની સામે બહારવટું લેવાનું છે. થોડા રૂપિયાના મહેસૂલ માટે સરકાર હજારો રૂપિયાની જમીન લેશે તો તે એને પચી શકવાની નથી. આ લૂંટફાટનું રાજ્ય નથી પણ ન્યાયનું છે.*[૧] આ રાજ્ય જે દિવસે ઇરાદાપૂર્વક લૂંટફાટનું છે, એમ મને ખબર પડશે, તે દિવસે હું બેવફા છું એમ માનજો. આપણી જમીન જશે તો આપણે શું કરવું, એ ધાસ્તી શું કરવા જોઈએ ? એ જમીન કેમે કરી કોઈ વેચાવી શકવાનું નથી.”

સરદારને પોતાના વતન કરમસદના કુસંપની વાત સાંભળી બહુ દુઃખ થયું. તે તેમણે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું:


  1. બ્રિટિશ ન્યાય ઉપર તે વખતે ગાંધીજીને ખૂબ શ્રદ્ધા હતી.