પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
ખેડા સત્યાગ્રહ - ૨

જમીન કબજા ભોગવટામાં રાખી શકશે. . . . સરકાર આકાર બેસાડે છે. તેના અમલદારો બેસાડે છે. એમાં વકીલનો કે બૅરિસ્ટરનો હાથ નથી. આકાર બાંધવામાં સરકાર સિવાય બીજી સત્તા નથી. તેની દીવાની કૉર્ટમાં તકરાર જઈ શકશે નહીં. આકાર વધારે છે કહીને કોઈ દાવો લાવશે તે ચાલશે નહીં. . . . ખેડૂત લોકોને કાયદેસર હક નથી કે માગણી કરે કે તકરાર કરે કે આકાર મુલતવી રાખવો જોઈએ. એ બાબત અમારો હક છે. પાકની સ્થિતિ લક્ષમાં લઈને, વાંધા હોય તે સાંભળીને અમે છેવટનો હુકમ કાઢીએ છીએ. છેવટના હુકમ પછી તકરાર ન ચાલી શકે. છેવટનો હુકમ કાઢવાની સત્તા અમલદારના હાથમાં છે. મહે. ગાંધી સાહેબના હાથમાં તે નથી. મહે. વલ્લભભાઈ સાહેબના હાથમાં તે નથી. આ બાબતમાં તમારી કાંઈ લડત ચાલી શકશે નહીં, એવી સમજ તમારા મનમાં બેસાડવી જોઈએ. મારા શબ્દો તમારે સાંભળવા જોઈએ. મારા શબ્દો મારા છે એટલું જ નહીંં પણ છેવટના હુકમરૂપ છે. મારા શબ્દો એકલા મારા જ નથી પણ ના. લૉર્ડ વિલિંગ્ડન સાહેબના છે. મારા હાથમાં તેમનો કાગળ છે કે આ કામમાં તમે જે હુકમ કરશો તે હું બહાલ રાખીશ. તમારે સમજવું જોઈએ કે આ હું જ બોલું છું એમ નથી, ના. ગવર્નર સાહેબ બોલે છે.

“મહે. ગાંધી સાહેબ ઘણા સારા માણસ છે, પવિત્ર માણસ છે. સારા હેતુથી, પવિત્ર અંતઃકરણથી, તમારો લાભ સમજી તમને સલાહ આપે છે. તે એવી રીતે કહે છે કે ન ભરવાથી તમે ગરીબ લોકોનો બચાવ કરશો. કાલની મુલાકાતમાં મને એમ જ કહેતા હતા. . . . પણ સરકાર ગરીબપરવર નથી ? ગરીબનો બચાવ કરવાની ફરજ તમારી છે કે સરકારની ? તમોને દુકાળની યાદગીરી નથી ? છપ્પનના વ૨સમાં, અઠ્ઠાવનના ઉંદરિયા દુકાળમાં, અમદાવાદ અને પંચમહાલમાં હું કલેક્ટર હતો. તમને યાદ હશે કે ગરીબના બચાવ માટે સરકારે કેટલાં બધાં બાંધકામો ઉઘાડેલાં. ગરીબ લોકો માટે રસોડાં ખોલ્યાં, તળાવ બાંધ્યાં, તગાવી આપી, લાખો રૂપિયા ખર્ચ્યા, તે મારી યાદગીરીમાં છે. જે તમારામાંના ઘરડા છે તેમને જરૂર યાદ હશે. આવી સરકાર સામે હમણાં આ જિલ્લામાં તમારી લડત ચાલે છે. દુનિયામાં મોટી લડાઈ ચાલે છે. વખત એ છે કે સરકારને બધી જાતની મદદ આપવી જોઈએ. પણ આ જિલ્લામાં સરકારને શું મળે છે ? મદદ મળે છે કે લડત મળે છે ?
“સરકારની સામે તમે લડત ચલાવશો તેનાં જે પરિણામ આવશે તે તમારે માથે આવશે; હોમરૂલના ગૃહસ્થોના માથા ઉપર નહીં આવે. તેમને કાંઈ નુકસાન નથી થવાનું. હોમરૂલવાળા ભાષણ કરે છે તે કંઈ જેલમાં જવાના નથી. આફ્રિકામાં જ્યારે આવી લડત ચલાવી હતી ત્યારે શ્રીયુત મહાત્મા ગાંધી કેદમાં ગયા હતા. આ રાજ્યમાં તે કેદ નહી જશે. એમને માટે જેલ લાયક નથી. હું ફરીથી કહું છું કે તે ઘણા સારા અને પવિત્ર માણસ છે.