પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સરદાર વલ્લભભાઈ


“સરકારના મનમાં ગુસ્સો નથી. માબાપને બાળકો લાત મારે તો માબાપને દિલગીરી થાય છે, ગુસ્સો નથી થતો. આ બધું નુકસાન–જપ્તી, ચોથાઈ, ખાલસા, નરવાનાં ગામો તોડી નાખવાં, એ બધાં નુકસાન તમારે શા માટે સહન કરવાં જોઈએ ? તમારી મિલકત તમે નાખી દેશો ? તમારા નરવા નાખી દેશો ? તમારાં છોકરાં બૈરીનો વિચાર નહીં કરો ? તમે મજૂર વર્ગમાં ઊતરી જશો ? શા માટે ?
“જમીનના કાયદા બાબતનો મને અઠ્ઠાવીસ વરસનો અનુભવ છે. શ્રીયુત મહાત્મા ગાંધી મારા મિત્ર છે. તે હમણાં બે ત્રણ વરસથી આફ્રિકાથી આવેલા છે. જિંદગીનો મોટો ભાગ તેમણે આફ્રિકામાં ગુજારેલો છે. તેઓ વિદ્યામાં, ભાષા બાબતમાં અને ધર્મ બાબતમાં બહુ પંડિત છે. તે વિષયમાં તેઓ જે બોધ આપે છે તે ખરો છે. પણ રાજકારભારના કામમાં, જમીનની બાબતમાં, આ કાર બાબતમાં તે ઓછું જાણે છે. તેમાં હું વધારે જાણું છું. તમારા ઉપર જે પરિણામ આવશે તેથી હું દિલગીર થઈશ. સારા પાટીદાર લોકોના નંબર ખાલસા થશે તો હું દિલગીર થઈશ. સરકાર જાણે છે કે ખેડૂતોના હક બાબે ગેરસમજૂત થઈ છે. તેથી દયાળુ સરકાર તમને મારી સલાહ સાંભળવાની આ છેલ્લી તક આપે છે.
“હું છેવટની સલાહ આપવા આવેલો છું. એટલું જ મને કહેવાનું છે કે, ખેડુ લોકોની ફરજ છે કે અમારી તિજોરીમાં પૈસા લાવવા. અમારા મામલતદાર સાહેબે, તલાટીઓ તમારો માલ જપ્ત કરી પૈસા લેશે એમ ન ધારશો. અમે એટલી બધી તસ્દી નથી લેવાના. અમારા અમલદારોનો વખત કીમતી છે. તેઓ કોઈને ઘેર ઉઘરાવવા નહીં જાય. હું તમને ધમકી નથી આપતો. તમે સારી રીતે સમજો. માબાપ ધમકી નથી આપતાં, પણ સલાહ આપે છે. તમે આકાર નહીં ભરો તો જમીન ખાલસા થશે. ઘણા કહે છે કે જમીન ખાલસા નહીં થાય. હું કહું છું કે એમ બનશે. મને પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી. મારા શબ્દો હું સાચા કરીશ. જે લોકો જાણીને ના પાડે છે તેમને ફરી જમીન આપવાની નથી. એવા ખેડૂતો સરકારના ચોપડામાં નથી જોઈતા. એવા ખેડૂતોનાં નામ અમારાં હકનાં પત્રક (રૅકર્ડ ઓફ રાઇટ્સ)માં નથી લખવાં. જે નીકળી ગયા તે ફરી દાખલ નહીં થશે.
“હવે મારે બે શબ્દો કહેવાના બાકી છે. કોઈ માણસ ગેરસમજૂતીમાં અથવા ભૂલથી પ્રતિજ્ઞા કરે તો તે તેથી બંધાયેલો નહીં રહેશે. આવી પ્રતિજ્ઞા નભી શકશે નહીં. આવી પ્રતિજ્ઞા તમે તોડી નાખશો તો કોઈ માણસ નહીં કહી શકશે કે એ તમારું પાપ છે, દોષ છે. ભૂલભરેલી પ્રતિજ્ઞા કોઈ તાડશે તો દુનિયા તેને નિર્દોષ ઠરાવશે. અમદાવાદમાં શું થયું તે તમારા લક્ષમાં આવ્યું હશે. પણ ઘણા વર્તમાનપત્રો વાંચતા નથી. તો હું કહીશ કે અમદાવાદમાં એક લડત ચાલતી હતી. લડત શેઠિયાએાની અને મજૂર લોકની હતી. મજૂરોએ એમ પ્રતિજ્ઞા કરી કે ૩૫ ટકાનો વધારો અમને મળવો જોઈએ. ૩પથી ઓછો કબૂલ ન કરવો. તે ન મળે ત્યાં સુધી કામ ન કરવું. છેવટે