પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
ખેડા સત્યાગ્રહ - ૨

શું થયું ? માલૂમ પડ્યું કે તે પ્રતિજ્ઞા વાજબી ન હતી. તે પ્રતિજ્ઞા નભી ન શકી. પ્રતિજ્ઞા તોડી નાખીને હમણાં તે બધા ૨૭ાા ટકા કબૂલ કરીને પોતાના કામ ઉપર દાખલ થઈ ગયા છે. તે પ્રમાણે હું કહું છું કે જે વખતે તમે ભૂલભરેલી પ્રતિજ્ઞા લીધી તે વખતે સરકાર તરફની તમારી જે ફરજ છે તે વિસારીને પ્રતિજ્ઞા લીધી. તે ઉપરાંત આ પ્રતિજ્ઞા કરવાથી જે પરિણામ થશે તે બાબત તમોને પૂરો વિચાર ન હતો. તમારે માટે જ નહીં પણ તમારાં છોકરાં માટે પણ તમે પરિણામનો વિચાર ન કર્યો. આ બધું લક્ષમાં લઈ હવે તમે ફરી વિચાર કરો કે સરકાર પ્રત્યે ફરજ બજાવવી કે પ્રતિજ્ઞાને વળગી રહી જે પરિણામ આવે તે ભોગવવું.”

પછી કરમસદના એક ખાતેદારે ઊભા થઈને કહ્યું કે, “અમારી આ લડત સરકારને કનડગત કરવા માટે નથી. પણ પૈસાદાર મહેસૂલ ભરે તો ગરીબોને લાચારીથી કરજ કરી પૈસા ભરવા પડે.”

કમિશનર : “શું તમે એમ કહો છો કે આ લડત નથી ? આ લડત છે જ. મહે. ગાંધી સાહેબ કહે છે, બધા કહે છે.”

એમ કહી તેમણે સરદાર સામે જોયું એટલે સરદારે ઊભા થઈ જણાવ્યું કે, “આ લડત છે એમ તો એ ખેડૂત પણ કહે છે. પણ લડત કનડગત કરવાને માટે નથી એમ એમનું કહેવું છે.” પછી સરદાર આગળ બોલવા જતા હતા એટલે કમિશનરે પૂછ્યું કે, “તમે ભાષણ કરવાના છો ?” સરદારે જવાબ આપ્યો કે, “મારે બીજું તો કાંઈ કહેવું નથી પણ આપે અમદાવાદના મજૂરોને વિષે કહ્યું તે બાબત ખુલાસો કરવો છે.” કમિશનરે કહ્યું : “ઠીક, તમે બોલો. પણ આજે અમારો વારો છે. અમારા તરફ બોલજો.” પછી સરદારે જણાવ્યું કે :

“મહે. કમિશનર સાહેબે અમદાવાદના મજૂરોની પ્રતિજ્ઞાની વાત જણાવી, તેનો ખુલાસો કરવાની મારી ફરજ છે. કારણ કે તે વખતે કામ કરનારામાં હું પણ એક હતો. ત્યાં મજૂરોની પ્રતિજ્ઞા તૂટી જ નથી. જ્યારથી લડત ઊપડી ત્યારથી ઠરાવ હતો કે જો શેઠિયાઓ પંચ સ્વીકારે તો એ પંચ જે વધારો ઠરાવે તે મજૂરોને કબૂલ રહે અને તેઓ કામ પર ચઢે. પછી પંચ નિમાયું. પહેલે દિવસે મજૂરો ૩૫ ટકાથી કામ પર ચઢેલા અને પંચનો નિકાલ આવે ત્યાં સુધી ૨૭ાા ટકા લે છે. પંચના ફેંસલા પ્રમાણે પછીથી વધઘટનો હિસાબ થશે. પંચની વાત તો સમાધાન પહેલાં પણ છાપાંમાં આવી હતી. સમાધાનને દિવસે મજૂરોની સભામાં આપણા કમિશનર સાહેબ પણ પધારેલા. એમને ગાંધી સાહેબને માટે ઘણું માન છે. (કમિશનર : હા, છે.) ગાંધી સાહેબના મનમાં પણ પ્રૅટ સાહેબને માટે માન છે. મારા મનમાં પણ છે. એ સાહેબે મિલમજૂરોને તે દિવસની સભામાં સલાહ આપેલી કે, ‘ગાંધી સાહેબ તમને સાચેસાચી સલાહ આપશે.