પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સરદાર વલ્લભભાઈ

એમની સલાહ પ્રમાણે તમે ચાલશો તો તમારો સુધારો થશે અને તમે ન્યાય મેળવશો.’ હું તમને કહું છું કે તમે પણ આ બાબતમાં મહાત્માજીની સલાહ પ્રમાણે ચાલશો તો આ જ કમિશનર સાહેબને હાથે ન્યાય મેળવી શકશો. અહીં પણ કમિશનર સાહેબ કમિટી નીમી તપાસ કરાવે તો આપણને કંઈ જ વાંધો નથી. બધું સીધું ઊતરી જાય.”

શ્રી મોહનલાલ પંડ્યાએ કહ્યું : “જે પ્રતિજ્ઞા લેવામાં આવી છે તે વિચાર કરીને લેવામાં આવી છે. સૂર્યનારાયણ આમના આમ ઊગે તોપણ તે ફરી શકે નહી. છતાં સરકાર માબાપ આખી રૈયતને મારી નાખશે તો એ દુઃખ ધીરજથી સહન કરીશું, પણ પૈસા નહીંં ભરીએ.”

ચિખોદરાના એક ખેડૂતે કહ્યું: “કમિશનર સાહેબને મેં આજે જ જોયા. બહુ ભલા દેખાય છે. સાહેબ કહે છે કે ૮૦ ટકા તો ભરાઈ ગયા છે. ત્યારે બાકી થોડા જ રહ્યા હશે. એટલા રૂપિયાનું નવ મહિનાના વ્યાજનું નુકસાન સરકારને જાય એમ છે. એટલે રાજા ને પ્રજા વચ્ચે એકતા થતી હોય તો એ નુકસાન પેટે, હું બચરવાળ છું છતાં, એક હજાર રૂપિયા આપવા રાજી છું.”

કમિશનર : “સરકારને પૈસા બાબત કંઈ મુશ્કેલી નથી. એક રૂપિયો પણ વધારે ન આપશો તો ચાલશે.”

ઉત્તરસંડાવના એક ખેડૂત : “મારા ઉપર ખાલસાનોટિસ આવેલી છે. મારે ચાર રૂપિયા ભરવાના છે. મેં આસિ. કલેક્ટર સાહેબને કહ્યું કે ચાર રૂપિયાની જ જમીન ખાલસા કરો. પણ ચાર રૂપિયાને માટે સરકાર હજાર રૂપિયાની જમીન લઈ શકે ?”

કમિશનર : “હા. તે સરકારની મરજીની વાત છે. આ તકરાર ચાર રૂપિયાની નથી. ૩૬ કરોડની તકરાર છે. તમે તકરાર કરશો તો આખો દેશ તકરાર કરશે.”

ઉપસંહાર કરતાં કમિશનરે કહ્યું : “જેટલું મારે કહેવાનું હતું તે હું કહી ગયો. છેવટનો ઠરાવ તમારા હાથમાં છે. જે માણસ સંન્યાસી છે તેની મિલકત જાય તેની ફિકર નથી. પણ તમે સંન્યાસી નથી તેનો વિચાર કરજો.”

આ ભાષણ પ્રૅટ સાહેબે તો ખેડૂતોને એમની ‘ગેરસમજૂતીમાંથી’ વાળવા માટે અને તેઓ પોતાને જે નુકસાન કરી રહ્યા હતા તેમાંથી બચાવવા માટે કર્યું હતું અને તેમાં મીઠાશ લાવવા તથા સહાનુભૂતિ બતાવવા તેમણે ઠીક ઠીક પ્રયત્ન કર્યો હતો, છતાં પોતાનો અમલદારી તોર તેઓ ઢાંક્યો રાખી શક્યા ન હતા. તેઓ બાહોશ અને બહુ અનુભવી સિવિલિયન અમલદાર ગણાતા હતા. પણ એવા બાહોશ ગણાતા અંગ્રેજ અમલદારો જ શાહીવાદી માનસ વધારે ધરાવનારા જોવામાં આવ્યા છે. એ માનસે જ બ્રિટિશ રાજ્ય પ્રત્યે