પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સરદાર વલ્લભભાઈ


પાળશો તો જય તમારો જ છે એવી ખાતરી આપી. આ ઉપરાંત ગામેગામ વહેંચવા માટે એક લેખી પત્રિકા બહાર પાડી તેમાં મિ. પ્રૅટે ઉઠાવેલા સઘળા મુદ્દાના રદિયા આપ્યા. અમદાવાદના મિલમજૂરોની પ્રતિજ્ઞા વિષે તેમણે પત્રિકામાં જણાવ્યું :

“હું દિલગીર છું કે પ્રૅટ સાહેબે અમદાવાદના મિલમજૂરોની હડતાલ વિષે હકીકતથી વિરુદ્ધ વાત પોતાના ભાષણમાં કરી છે. તેમાં તેઓ સાહેબે વિનયનો, ન્યાયનો, મર્યાદાનો અને મિત્રતાનો ભંગ કર્યો છે. હું ઉમેદ રાખું છું કે આ દોષો તેમણે અજાણતા કર્યાં છે. કોઈએ આ જગતમાં પોતાની પ્રતિજ્ઞા પાળી હોય તો અમદાવાદના મજૂરોએ પોતાની પ્રતિજ્ઞા પાળી છે. તેઓએ હમેશાં કહેલું કે પંચ ઠરાવે તે પગાર લેવા તેઓ કબૂલ કરશે.”
પત્રિકાના છેવટના ભાગમાં કમિશનરની ધમકીઓ વિષે તેમણે લખ્યું :
“કમિશનર સાહેબે ધમકી ખૂબ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે એ ધમકી પોતે ખરી પાડી દેશે. એટલે તેઓ સાહેબ પ્રતિજ્ઞા કરનારાઓની બધી જમીન ખાલસા કરશે, અને તેમના વારસોને પણ ખેડા જિલ્લામાં જમીનની માલિકી ભોગવવાને બિનહકદાર ઠરાવશે.
“આ ઘોર વચન છે, ક્રૂર છે, કઠોર છે. હું માનું છું કે આ વચનમાં અતિ તીવ્ર રોષ ભરેલો છે. જ્યારે કમિશનર સાહેબનો રોષ શાંત થશે ત્યારે આ ઘોર વચનને સારુ તેઓ પશ્ચાત્તાપ કરશે. સરકાર અને પ્રજા વચ્ચેના સંબંધને તેઓ સાહેબે ‘માબાપ અને છોકરાં’ વચ્ચેના સંબંધ જેવો માન્યો છે. કોઈ માબાપે પોતાનાં છોકરાંને સવિનય સામે થવાને માટે પદભ્રષ્ટ કર્યાનો દાખલો આખી દુનિયાના ઇતિહાસમાં જોવામાં આવ્યો છે ખરો ? ખેડા જિલ્લાની પ્રતિજ્ઞા ભૂલભરેલી હોય, એ અશક્ય નથી. પણ તે પ્રતિજ્ઞામાં અવિનય, ઉદ્ધતાઈ કે દાડાઈનો અંશ સરખોયે નથી. ધાર્મિક ભાવથી પોતાની ઉન્નતિને ખાતર લેવાયેલી આવી પ્રતિજ્ઞાને માટે ઉપર પ્રમાણે ઘોર સજા થાય એ વાત હું હજીયે અશક્ય સમજું છું એવી સજા હિંદુસ્તાન સાંખી ન શકે, બ્રિટિશ રાજ્યાધિકારીઓ કદી મંજૂર ન કરે, બ્રિટિશ પ્રજાને આવી સજા વિષે ત્રાસ જ છૂટે. જો આવો ઘોર અન્યાય બ્રિટિશ સલ્તનતમાં થાય તો હું તો બહારવટે જ રહી શકું. પણ બ્રિટિશ રાજ્યનીતિ વિષે કમિશનર સાહેબ કરતાં મારો વિશ્વાસ વધારે છે. અને હું હજી પણ જે વચન મેં તમને પહેલાં કહેલાં છે, તે ફરી કહી સંભળાવું છું કે શુદ્ધ ભાવે કરેલા કાર્યને સારુ તમે તમારી જમીન ખોઈ બેસો એ હું અસંભવિત માનું છું. છતાં આપણી તૈયારી તો જમીન ખોવાની પણ હોવી જોઈએ. એક તરફ પ્રતિજ્ઞા અને બીજી તરફ આપણું સર્વસ્વ રાખો. બધી સ્થાવર જંગમ મિલકતની કિંમત પ્રતિજ્ઞાના પ્રમાણમાં કાંઈ જ નથી. તમારી પ્રતિજ્ઞાના પાલનરૂપી વારસો છોકરાં માટે લાખો રૂપિયાની મિલકત કરતાં પણ વધારે કીમતી છે. તેમાં આખા હિંદુસ્તાનને ઊંચે