સાહેબે પ્રથમથી જ ના પાડી. ઘણાયે કાગળો લખ્યા છતાં તેમની ‘ના'ની ‘હા’ ન થઈ. ‘આસામીવાર છૂટ અપાય જ નહીંં, એવો કાયદો જ નથી’ આ તેમના શબ્દો હતા. હવે કલેક્ટર સાહેબ કહે છે કે આમ છૂટ આપવાની વાત તો જગજાહેર છે. ત્યારે શું પ્રજાએ જાણી જોઈને હઠથી દુ:ખ સહન કર્યું? દિલ્હી જતી વખતે અમારામાંથી ગાંધીજીએ કમિશનર સાહેબને આવો જ હુકમ કાઢવા વિનંતી કરેલી પણ તેમણે એ વાત ન સાંભળી. અમને બંનેને પૂછીને એવી જ માગણી તા. ૨૫મી એપ્રિલ પછી રા○ સા○ દાદુભાઈ એ કરેલી. પણ તેમને કલેક્ટર સાહેબે કહેલું કે એવી માગણી સ્વીકારવાનો હવે વખત જ નથી રહ્યો.
- “પણ પ્રજાનું દુ:ખ જોઈને તેઓ પીગળ્યા. તેઓને પોતાની ભૂલ જણાઈ અને આસામીવાર છૂટ આપવા તૈયાર થયા. ઉદાર દિલે જશ લેવાના રસ્તાનો અધિકારી વર્ગે હઠપૂર્વક ત્યાગ કર્યો છે. હવે પણ જે આપ્યું છે તે સંકોચાઈને, ન ચાલતાં, ભૂલનો સ્વીકાર કર્યા વિના, કંઈ નવી વાત નથી એમ કહીને આપ્યું છે. તેથી અમે કહીએ છીએ કે સમાધાનીમાં મીઠાશ નથી.
- “અધિકારી વર્ગની આવી વર્તણૂક હોવા છતાં આપણી માગણીનો સ્વીકાર થાય છે એટલે આપણે સમાધાનીને વધાવી લેવી એ આપણી ફરજ છે. હવે મહેસૂલના આઠ ટકા જ વસૂલ થવાના બાકી છે. આજ લગી મહેસૂલ નહીં ભરવામાં માન હતું. સ્થિતિ બદલાતાં સત્યાગ્રહીને સારુ મહેસૂલ ભરવામાં માન રહ્યું છે. સરકારને જરા પણ તકલીફ દીધા વિના જે શક્તિમાન છે તેમણે મહેસૂલ તરત ભરીને બતાવી આપવાનું છે કે જ્યાં આધ્યાત્મિક કાયદા અને માનુષી કાયદા વચ્ચે વિરોધ નથી ત્યાં સત્યાગ્રહી કાયદાને માન આપવામાં ગમે તેની સાથે હરીફાઈ કરી શકે છે. . . . અશક્તોની યાદી તૈયાર કરવામાં આપણે એવો કડક નિયમ રાખવો કે આપણી યાદીની સામે કોઈ થઈ શકે જ નહીં.
- “પોતાની બહાદુરીથી ખેડાની પ્રજાએ આખા હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે. સત્ય, નિર્ભયતા, એકસંપ, દૃઢતા અને સ્વાર્થત્યાગનો રસ ખેડાની પ્રજા આજે છ માસથી ચાખતી આવી છે. અમારી ઉમેદ છે કે એ મહાન ગુણોને પ્રજા વધારે ખીલવશે, વધારે આગળ ચઢશે ને માતૃભૂમિનું નામ વિશેષ ઉજ્વળ કરશે. અમારી દૃઢ માન્યતા છે કે ખેડા જિલ્લાની પ્રજાએ પોતાની, સ્વરાજ્યની અને સામ્રાજ્યની શુદ્ધ સેવા કરી છે.”
આ લડતનો અંત માધુર્યરહિત હતો અને જોકે અમલદારોને પોતાનાં વચન અને ધમકીઓ ગળી જવાં પડ્યાં હતાં છતાં તેમના દિલ ઉપર કશી અસર થઈ નહોતી. એટલું જ નહીં પણ પ્રજાને કનડવાની એક પણ તક જવા દેવા તેઓ તૈયાર ન હતા. તેનું પ્રત્યક્ષ પારખુ આ સમાધાનીના દિવસોમાં જ મળ્યું. સરકારે માતર તાલુકાના નવાગામ ગામના એક ખેડૂતની જમીન ખાલસા કરી હતી અને તેની સાથે તેમાંના એક નંબરના પાકને પણ ખાલસા