પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ખેડા સત્યાગ્રહ -૨


થયેલો માન્યો હતો. ખાલસાની નોટિસમાં આ નંબર બતાવેલો નહીં હોવાથી તે ખાલસા થયેલો ગણાય નહીં એમ ગાંધીજીએ કલેક્ટરને અગાઉથી લખી જણાવ્યું હતું. આ કહેવાતા ખાલસા નંબરમાં આશરે છસો રૂપિયાની કિંમતનો ડુંગળીનો પાક હતો. ચોમાસું માથા પર આવેલું હોવાથી પાક બચાવવાને માટે ડુંગળી ખોદી લેવાની ગાંધીજીએ સલાહ આપી. ગામના લોકોને પ્રેત્સાહન રહે તે ખાતર શ્રી મોહનલાલ પંડ્યા નવાગામ ગયા અને તા. ૪થી જૂનના રોજ તેમની આગેવાની નીચે ગામના લગભગ બસો માણસોએ એ ડુંગળી ખોદવા માંડી. મામલતદાર એકદમ ખેતર ઉપર જઈ પહોંચ્યા અને પંડ્યા તથા નવાગામના ચાર આગેવાનો ઉપર ચોરીનું તહોમત મૂકી તેમને પકડ્યા તથા ડુંગળી કબજે કરી. તા. ૮મીએ ખેડા મુકામે કલેક્ટર સમક્ષ તેમનો કેસ ચાલ્યો. બે જણને દસ દસ દિવસની અને પંડ્યાજી તથા બીજા બે મળી ત્રણ જણને વીસ વીસ દિવસની સજા કરવામાં આવી. કેસ વખતે ગાંધીજી અને સરદાર હાજર રહ્યા હતા. બીજા પણ ત્રણસોથી ચારસો માણસો હશે. કોર્ટની બહાર તેમને સંબોધીને ગાંધીજીએ કહ્યું: “અપીલમાં એક ક્ષણમાં જિતાય એવો આ કેસ છે. વલ્લભભાઈ એ કે મેં સવાલ ન પૂછ્યા તે કેસ નબળો હતો એટલા માટે નહીંં. અમે કશી ઊલટતપાસ ન કરી તો કોઈ પણ નિષ્પક્ષ મૅજિસ્ટ્રેટ જેને કાયદાનું સારું જ્ઞાન હોય તે કહી શકે કે આમાં ચોરી નથી. આમ છતાં આપણે અપીલ નથી કરવી. સત્યાગ્રહીથી થઈ શકે નહીં. એણે તો જેલ ભોગવવી એ જ સારો માર્ગ છે. . . . ભૂલાભાઈ (એમાંનો એક સત્યાગ્રહી)ના જમીનમહેસૂલના રૂપિયા ૯૪ બાકી છે તે મામલતદારને આવતી કાલે જ ભરી આવવા. આપણે સમાધાની જાળવવાની છે. . . .”

તા. ર૭મી જૂને પંડયાજી અને બીજા કેદીઓ છૂટવાના હતા. તેમને ખૂબ માન આપવું એમ ગાંધીજીએ નક્કી કર્યું. ગુજરાતમાં આ પહેલા જ સત્યાગ્રહી જેલ ભોગવનારા હતા. એટલે જેલમાંથી નીકળે તે જ વખતે તેમનું સ્વાગત કરવા મહેમદાવાદથી સાત માઈલ પગે ચાલીને ગાંધીજી, સરદાર, ડૉ. કાનુગા, શ્રી માવળંકર, શ્રી કૃષ્ણલાલ દેસાઈ વગેરે ગયા. પંડ્યાને નવાગામ તથા કઠલાલમાં ખૂબ માન મળ્યું. એમના માનની બધી સભાઓમાં ગાંધીજી તથા સરદારે ભાગ લીધો. આ પ્રસંગથી પંડ્યાજી ગુજરાતમાં ‘ડુંગળી ચોર’ના ઉપનામથી જાણીતા થયા.

પછી તા. ર૯મી જૂનના રોજ નડિયાદમાં આ લડતની પૂર્ણાહુતિનો ઉત્સવ ઊજવાયો. આ લડતમાં જ ગાંધીજીને સરદાર લાધ્યા અને બે વચ્ચે જીવનભરનો પ્રેમસંબંધ અને સેવાસંબંધ બંધાયો. એને ઉદ્દેશીને ગાંધીજીએ સભામાં કહ્યું :