પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૧

અમદાવાદની મજૂર હડતાળ

ખેડામાં ગાંધીજીએ જાતે તપાસ શરૂ કરી તે અરસામાં જ અમદાવાદમાં મિલમાલિકો અને મજૂરો વચ્ચે ગાંધીજીની રાહબરી નીચે એક ટૂંકી, પણ બંને પક્ષે જે મીઠાશ સચવાઈ હતી અને તેનાં આજે જે ભારે પરિણામો આવ્યાં છે તે જોતાં બહુ મહત્વની, લડાઈ થઈ ગઈ. સ્વ. મહાદેવભાઈએ એને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું છે. ગાંધીજીએ એનું સંચાલન કર્યું અને તેઓ બધો વખત હાજર હતા એટલે સરદારની એમાં સીધી જવાબદારી ન હતી. છતાં તેમાં તેમણે પૂરેપૂરો ભાગ લીધેલો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, “આ હડતાળ દરમ્યાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બૅંકરને હું સારી રીતે ઓળખતો થયો કહેવાઉં.” એટલે સરદારના જીવનચરિત્રમાં ટૂંકમાં એની હકીકત અહીં આવે તે ઉચિત જ ગણાશે.

સને ૧૯૧૭ના ચોમાસામાં અમદાવાદમાં ભયંકર પ્લેગ ચાલેલો તે વખતે મજૂરો અમદાવાદ છોડી ચાલ્યા ન જાય તે ખાતર તેમને પગારના ૭૦થી ૮૦ ટકા જેટલું પ્લેગ બોનસ આપવામાં આવેલું. પ્લેગ બંધ થયા પછી પણ તે વખતે ચાલતા યુરોપના મહાયુદ્ધને લીધે થયેલી સખ્ત મોંઘવારીને કારણે એ બોનસ ચાલુ રહ્યું. પછી જ્યારે માલિકોએ બોનસ બંધ કરવાની નોટિસ કાઢી ત્યારે સાળખાતાવાળા મજૂરોમાં ખળભળાટ થયો અને શ્રી અનસૂયાબહેનને મળી પ્લેગ બોનસને બદલે મોંઘવારીનો વધારો ઓછામાં ઓછો ૫૦ ટકા મળવો જોઈએ એવી તેમણે માગણી કરવા માંડી. સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડતી હતી તે જોઈ અમદાવાદના કલેક્ટરે તા. ૧૧-૨-’૧૮ના રોજ ગાંધીજીને કાગળ લખ્યો કે, આ ઝઘડાને લીધે અમદાવાદમાં બહુ ગંભીર સ્થિતિ ઉપન્ન થવાની વકી છે. મિલમાલિકો મિલો બંધ કરવાની ધમકી આપે છે. તેઓ કોઈની સલાહ સાંભળે તેમ હોય તો આપની જ સાંભળે એમ છે, માટે આપ વચ્ચે પડો.

ગાંધીજી કલેક્ટરને મળ્યા, મજૂરોને મળ્યા, અને મિલ એજન્ટોને મળ્યા. તેમની સાથે મસલત ચલાવીને પ્લેગ બોનસની અવેજીમાં મોંઘવારીને લીધે કેટલો વધારે કરવો વાજબી છે તે નક્કી કરવા તા. ૧૪-૨-’૧૮ના રોજ પંચ નીમવાનો ઠરાવ કરાવરાવ્યો. પંચ તરીકે ગાંધીજી, શ્રી શંકરલાલ બૅંકર

૧૨૧