પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સરદાર વલ્લભભાઈ


અને સરદાર મજૂરો તરફથી, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ મિલમાલિકો તરફથી અને પ્રમુખ તરીકે કલેક્ટર સાહેબ નિમાયા. ત્યાર પછી કેટલીક મિલોમાં ગેરસમજથી મજૂરોએ હડતાળ પાડી. મજૂરોની ભૂલ બતાવવામાં આવી એટલે તેઓ તે સુધારવા તૈયાર થયા. પણ માલિકોએ કહ્યું કે મજૂરોએ પંચ નિમાયા છતાં હડતાળ પાળી એટલે હવે અમે પંચની વાત રદ્દ કરીએ છીએ. તેની સાથે તેઓએ એવો ઠરાવ કર્યો કે જે મજૂરો ૨૦ ટકા વધારાથી ન રહેવા ઈચ્છતા હોય તેમને રજા આપવી. સાળખાતાવાળાએ એટલો વધારો કબૂલ ન કર્યો એટલે માલિકોએ તા. ૨૨-૨-’૧૮થી તેમનો ‘લોકઆઉટ’ (કામબંધી) શરૂ કર્યો. મજૂર તરફના પંચોને એમ લાગ્યું કે મજૂરો યોગ્ય વધારો શો માગી શકે એ બાબત સલાહ આપવાની તેમની ફરજ છે. તેઓએ માલિકો તથા મજૂરોનું હિત વિચારી તથા તમામ પરિસ્થિતિની તપાસ કરી ૩૫ ટકાનો વધારો યોગ્ય છે એમ નક્કી કર્યું. મજૂરોને આ પ્રમાણે સલાહ આપતાં પહેલાં માલિકોને પોતાના આ અભિપ્રાયની ખબર આપીને તે બાબતમાં કાંઈ કહેવું હોય તો કહેવા માલિકોને જણાવ્યું. પણ માલિકોએ પોતાનો વિચાર જણાવ્યો નહીં. એટલે મજૂરોને ૩૫ ટકા વધારો માગવાની સલાહ આપી. તે તેમણે સ્વીકારી અને નિશ્ચય કર્યો કે ૩૫ ટકા વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું. આમ લડત શરૂ થઈ. ગાંધીજીએ રોજ પત્રિકાઓ કાઢીને તથા મજૂરોની સભામાં તે પત્રિકા વાંચી સંભળાવીને તથા તેના ઉપર વિવેચન કરીને મજૂરોને ટેકની, સંપની, હિંમતની, મજૂરીની પ્રતિષ્ઠાની, મૂડી કરતાં પણ મજૂરીના વધારે મહત્ત્વની તથા પ્રતિજ્ઞાની પવિત્રતા અને ગંભીરતાની કેળવણી આપવા માંડી અને એ રીતે લડતને ધાર્મિક સ્વરૂપ આપવાના ઉપાયો યોજવા માંડ્યા.

તા. ૧૩-૩-’૧૮ના રોજ મિલમાલિકોએ કામબંધી (લોકઆઉટ) ખોલી નાખી અને ૨૦ ટકા વધારો લઈને કામે ચઢવા ઈચ્છતા હોય તે મજૂરોને દાખલ કરવામાં આવશે એવું જાહેર કર્યું. તે દિવસથી મજદૂરોની હડતાળ શરૂ થઈ. કારણ તેમનો તો નિશ્ચય હતો કે ૩પ ટકા વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું. બીજી તરફથી મજૂરોને ફોડવાની, ફોસલાવવાની, ઉશ્કેરવાની, એવી અનેક તજવીજો માલિકોના પક્ષ તરફથી થતી હતી. મજૂર પક્ષના મિત્રો મજૂરો માટે ફંડ ઊભાં કરીને તેમને આર્થિક મદદ આપવાની સૂચના કરવા લાગ્યા. એ સૌ હિતૈષીઓને ગાંધીજી કહેતા: “મજૂરોને પૈસા આપીને તમે સત્યાગ્રહ કરાવશો, અથવા તમે પૈસા આપીને તેમને ટકાવી રાખશો એવી આશાથી મજૂરો આ લડતમાં પડ્યા હશે તો તેમાં સત્યાગ્રહ શો? સત્યાગ્રહનું મહત્ત્વ શું? સત્યાગ્રહનું રહસ્ય તો રાજીખુશીથી દુ:ખ ખમી લેવામાં રહેલું છે. સત્યાગ્રહી જેટલું દુઃખ વધારે