લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
અમદાવાદની મંજૂર હડતાળ


ખમે તેટલી તેની વધારે કસોટી થાય છે.” મજૂરોને પણ કહેતા કે, “તમે પરસેવો પાડીને પૈસા રળ્યા છો તે કદી કોઈની પાસે મફત પૈસો લેવા હાથ લાંબો ન કરશો. એમાં તમારી ઈજ્જત નથી. તમે પારકાને પૈસે લડ્યા એમ કહીને જગત તમારી હાંસી કરશે.” લડત લંબાતી ગઈ તેમ મજૂરોને ખાવાના સાંસા પડવા લાગ્યા. એવાઓને માટે કાંઈ કાંઈ કામ શોધવામાં આવ્યાં. એક પત્રિકામાં ગાંધીજીએ મજૂરોને વચન આપ્યું હતું કે, “આ લડતમાં જેઓ ભૂખે મરવાની સ્થિતિમાં આવી પડશે ને જેઓને કાંઈ કામ મળી નહી શકે એવાને ઓઢાડ્યા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવીને અમે ખાઈશું.” થોડા જ દિવસમાં આ વચનો અમલમાં ઉતારવાનો પ્રસંગ આવ્યો. ગાંધીજીને કાને ટીકાની વાતો આવી કે, “ગાંધીજી અને અનસૂયાબહેનને શું? તેઓને મોટરમાં આવવાનું અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું. પણ અમારા તો જીવ જવા માંડ્યા.” આ સાંભળી ગાંધીજીનું હૈયું વીંધાઈ ગયું. તેવીસમે દિવસે સવારે સભામાં ગયા ત્યારે અગાઉથી દુઃખી થયેલા હૃદયે અને તેમની કરુણાર્દ્ર દૃષ્ટિએ શું જોયું? આ રહ્યા તેમના જ શબ્દો: “પોતાના મુખ ઉપર ઝળકી રહેલા અડગ આત્મનિશ્ચયવાળાં હંમેશ નજરે પડતાં પાંચ દસ હજાર મનુષ્યોને બદલે નિરાશાથી ખિન્ન મુખવાળાં એકાદ હજાર માણસો મેં જોયાં.” એક ક્ષણમાં અંતરને સંકલ્પ થઈ ગયો અને હાજર સભાજનોને તેમણે કહી દીધું કે, “તમારી પ્રતિજ્ઞામાંથી તમે ચળો એ ક્ષણભર પણ મારાથી સહ્યું જાય એમ નથી. તમને ૩૫ ટકા વધારો ન મળે અથવા તો તમે બધાયે પડી ન જાઓ ત્યાં સુધી હું આહાર લેવાનો નથી કે મોટર વાપરવાનો નથી.” આની વીજળીક અસર થઈ. જે મજૂરો સભામાં નહોતા આવ્યા તે પણ મક્કમ થઈ ગયા. મિલમાલિકો ઉપર પણ ગાંધીજીના આ ઉગ્ર નિશ્ચયની જબરી અસર થઈ. જોકે તેમને લાગતું હતું કે એક વાર મજૂરોની વાત આપણે માનીશું તો તેઓ માથે ચઢી વાગશે. છતાં ગાંધીજી પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ ઘણા માલિકોનાં દિલમાં હતો. તેઓ આવીને કહેવા લાગ્યા કે, “આ વખતે તમારી ખાતર અમે મજૂરોને ૩પ ટકા આપીએ.” ગાંધીજી એમ કરવાની ચોખ્ખી ના પાડતા અને કહેતા કે, “મારી દયા ખાઈ ને નહીં, પણ મજૂરોની પ્રતિજ્ઞાને માન આપીને, તેઓને ન્યાય આપવાની ખાતર ૩૫ ટકા આપો.” છતાં પોતાના ઉપવાસથી માલિકો ઉપર દબાણ થાય છે અને એ રીતે આ ઉપવાસમાં દોષ રહેલો છે એ વાત ગાંધીજીના મનમાંથી ખસતી નહોતી. એક તરફથી દસ હજાર મજદૂરોની પ્રતિજ્ઞા તૂટે તેથી થતા નૈતિક અધઃપતનને રોકવાની વાત હતી, અને બીજી તરફથી માલિકો ઉપર થતા દબાણનો દોષ આવતો હતો. એ દોષ તેમણે વહોરી લીધો અને માલિકોના જાણે ગુનેગાર હોય તેમ રાંક