પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સરદાર વલ્લભભાઈ


થઈને તેમની સાથે વાટાઘાટો કરવા માંડી. માલિકોની કહેવાતી પ્રતિજ્ઞા જાળવવાના કૃત્રિમ ઉપાયો સ્વીકારવા તૈયાર થયા અને મજૂરોની પ્રતિજ્ઞાનો અક્ષર જળવાય તો પછી પંચ કહે તે મજૂરો કબૂલ રાખશે એમ તેમણે સ્વીકારી લીધું. એટલે ઉપવાસને ચોથે દિવસે તા. ૧૯-૩-’૧૮ના રોજ સવારે સમાધાન થયું કે મજૂરોની પ્રતિજ્ઞા જાળવવા પહેલે દિવસે ૩૫ ટકા વધારે આપવામાં આવે, માલિકોની પ્રતિજ્ઞા જાળવવા બીજે દિવસે ર૦ ટકા વધારો આપવામાં આવે અને ત્રીજા દિવસથી મજુરો અને માલિકોએ નીમેલા પંચ ઠરાવે તેટલા ટકા વધારો આપવામાં આવે. પંચ તરીકે બંને પક્ષને માન્ય એવા આચાર્ય આનંદશંકર ધ્રુવને નીમવામાં આવ્યા. તેઓ ત્રણ જ દિવસમાં નિર્ણય કરી શકે નહીં એટલે નિર્ણય માટે ત્રણ મહિનાની મુદત ઠરાવવામાં આવી, અને એટલા વચગાળાના વખતમાં મજૂરોને ૨૭ાા ટકા વધારો આપવો અને પંચનો નિર્ણય આવ્યે વધઘટ એકબીજાને મજરે આપવી એમ ઠર્યું. પણ પંચને તપાસમાં ઊતરવાની જરૂર જ પડી નહીં. કારણ સંજોગો એવા ઉપસ્થિત થયા કે પંચનો નિર્ણય આવે તે પહેલાં માલિકોએ મજૂરો સાથે અંદર અંદર સમજૂત કરીને લગભગ ૫૦ ટકા વધારો આપવા માંડ્યો હતો. એટલે શ્રી આનંદશંકરભાઈએ વ્યાવહારિક ન્યાય તોળીને માલિકોએ જેટલા દિવસ ૨૭ાા ટકા આપ્યા હોય તેટલા દિવસના ૭ાા ટકા વધારે મજૂરોને મજરે આપવા એમ ઠરાવ્યું. આમ બંને પક્ષ વચ્ચે ખૂબ મીઠાશથી આ લડત પૂરી થઈ.

અને તેનાં પરિણામ બહુ સુંદર આવ્યાં છે તે આજે આપણે જોઈ શકીએ છીએ. આ લડતમાં પંચની લવાદી મારફત બે પક્ષ વચ્ચેના ઝઘડાનો નિવેડો લાવવાના તત્ત્વનું જે બીજારોપણ થયું તેને ગાંધીજીએ જતન કરીને ઉછેર્યું અને તેમાં મિલમાલિક મંડળે તથા મજૂર મહાજન સંઘે સારો સાથ આપ્યો. એને પરિણામે જ અમદાવાદનો મજૂર મહાજન સંઘ હિંદુસ્તાનમાં એક અદ્વિતીય સંસ્થા બન્યો છે. આજે મજૂરો આગળ અમુક પગારવધારો કે અમુક સગવડો મેળવવાનું જ ધ્યેય નથી રહ્યું પણ મૂડી જેમ ધન છે, તેમ મજૂરી પણ ધન છે, બલ્કે વધારે કીમતી ધન છે એમ મજૂરો સમજ્યા લાગે છે અને એ સમજમાંથી મિલોના વહીવટમાં સુદ્ધાં કહેવાતા માલિકોની સાથે સરખો હિસ્સો મેળવવાની ભાવનાનો ઉદય થયો છે.