પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧3

રોલૅટ કાયદા સામેનું આંદોલન

બ્રિટિશ અમલમાં હિંદુસ્તાને રાજકીય હક્કો ક્રમે ક્રમે પ્રાપ્ત કર્યા અને છેવટે આઝાદી મેળવી, તેના છેલ્લા ચાર તબક્કાનો ઇતિહાસ એવો છે કે દરેક સુધારા દાખલ થયા તે પહેલાં ભારે દમનચક્રમાંથી દેશને પસાર થવું પડ્યું છે. એક તરફથી રાજદ્વારી સુધારા દાખલ કરી લોકોને વધારે હક્કો આપવાની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે બીજી તરફથી લોકોના નાગરિક સ્વાતંત્ર્યને કચડી નાખનારા કાયદા પસાર કરીને સેંકડો માણસોને જેલમાં ધકેલવામાં આવે છે તથા દેશપાર કરવામાં આવે છે. ૧૯૧૧માં મોરલી-મિન્ટો સુધારા દાખલ કરી ધારાસભાઓમાં લોકપ્રતિનિધિઓની સંખ્યા વધારવામાં આવી ત્યારે તેની અગાઉ ૧૯૦૮નો રાજદ્રોહી સભાઓને લગતો કાયદો (સીડિશ્યસ મીટિંગ્સ ઍક્ટ) તથા ૧૯૧૦નો ફોજદારી કાયદામાં સુધારો કરનાર કાયદો (ક્રિમિનલ લૉ ઍમેન્ડમેન્ટ ઍક્ટ) પસાર કરીને સેંકડો માણસોને જેલની તથા કાળા પાણીની સજા કરવામાં આવી હતી. સૈકાજૂનો એક ધારો, સને ૧૮૧૮નો રેગ્યુલેશન ત્રીજો, એનો ઉપયોગ કરીને કેટલાક દેશભક્તોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. લોકમાન્ય તિલક મહારાજને રાજદ્રોહના આરોપસર ૧૯૦૮માં છ વરસની સજા કરવામાં આવી હતી. આમ જે વખતે નવી ધારાસભાઓ બેઠી તે વખતે લગભગ ૧૮૦૦ રાજદ્વારી કેદીઓ જેલના સળિયા પાછળ હતા.

મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા વખતનો ઇતિહાસ પણ આવો જ છે. જે વખતે સુધારાની ચર્ચાઓ અને તૈયારીઓ ચાલતી હતી તે જ વખતે પોલીસને અમર્યાદ સત્તાઓ આપી નાગરિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારનારા રોલૅટ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ જે આંદોલન ઊપડ્યું અને તેમાંથી અસહકારની લડત ચાલી તેને અંગે, જ્યારે નવા સુધારા અમલમાં મુકાયા તે વખતે ઓછામાં ઓછા વીસ હજાર માણસો, જેમાં દેશના મોટામાં મોટા નેતાઓ પણ હતા તે બધા જેલના સળિયા પાછળ હતા.

તેવી જ રીતે હિંદુસ્તાનને પ્રાંતિક સ્વરાજ્ય આપવા માટેના બંધારણીય સુધારા સંબંધી મસલત કરવા ઇંંગ્લંડમાં સને ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદો ચાલતી હતી ત્યારે લોકોનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતી અને જેના સહકાર વિના કોઈ પણ સુધારાને અમલ થઈ શકે એમ ન હતું એ રાષ્ટ્રીય{{center|૧૨૮}