પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
રોલૅટ કાયદા સામે આંદોલન


કૉંગ્રેસ તેના લગભગ એક લાખ સ્વયંસેવકો સાથે જેલમાં હતી. ત્યાર પછી ૧૯૪૨થી ’૪૫ સુધી કૉંગ્રેસના આદેશને માન આપી દેશે બ્રિટિશ સલ્તનત સામે બંડ પોકાર્યું અને પારાવાર દુઃખો વેઠ્યા પછી આઝાદી મળી.

અત્યારે તો આપણે રોલૅટ કાયદા, જે તે વખતે કાળા કાયદા કહેવાતા હતા તેનો જ વિચાર કરીશું. જોકે ૧૯૩૦ તથા ૧૯૩૨માં અને ૧૯૪૨માં જે કાયદા અને ઑર્ડિનન્સો (ફતવા)નો અમલ થયેલો તેની આગળ તો રોલૅટ કાયદા બહુ મોળા હતા. છતાં આ જાતના એ પહેલા જ કાયદા હોઈ તે કાળા કાયદા કહેવાયા અને દેશના એકેએક પક્ષે તેની સામે ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભામાં પણ તેની સામે સખત ભાષણો થયાં. છતાં એ કાયદા સરકારપક્ષની બહુમતીવાળી ધારાસભામાં પસાર થયા.

ગાંધીજી તે વખતે ગંભીર બીમારીમાંથી માંડ માંડ ઊઠ્યા હતા અને અશક્ત હતા. છતાં આ રોલૅટ કાયદાની વાત વાંચીને તેઓનો પુણ્યપ્રકોપ સળગી ઊઠ્યો. સરદાર લગભગ રોજ એમને આશ્રમમાં જોવા આવતા. તેમને ગાંધીજીએ કહ્યું: “આ વિષે કાંઈ થવું જોઈએ.” સરદારે પૂછ્યું : “શું થાય?” ગાંધીજીએ કહ્યું: “થોડા માણસો પણ તૈયાર થાય તો ધારાસભામાં કાયદા પસાર થાય એટલે આપણે સત્યાગ્રહ કરવો જોઈએ. પથારીવશ ન હોઉં તો હું એકલો પણ ઝૂઝું અને બીજાઓ મળી રહેવાની પછી આશા રાખું. પણ મારી લાચાર સ્થિતિમાં એકલા ઝૂઝવાની મારી શક્તિ મુદ્દલ નથી.” બીજી તરફથી મુંબઈની હોમરૂલ લીગવાળા, મુખ્યત્વે શ્રી ઉમર સોબાની અને શ્રી શંકરલાલ બૅંકર આ બાબત કાંઈ કરવું જોઈએ એવું દબાણ ગાંધીજીને કરી રહ્યા હતા. પરિણામે વીસેક માણસોની એક નાની સભા સાબરમતી આશ્રમમાં બોલાવવામાં આવી. તેમાં સરદાર ઉપરાંત શ્રીમતી સરોજિની નાયડુ, મિ. હૉર્નિમૅન, શ્રી ઉમર સોબાની, શ્રી શંકરલાલ બૅંકર અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક એ મુખ્ય હતાં. એક પ્રતિજ્ઞાપત્ર ઘડાયું અને હાજર રહેલાં બધાંએ તેની ઉપર સહી કરી. કોઈ ચાલુ સંસ્થા સત્યાગ્રહનું નવું હથિયાર ન ઉપાડી લે એટલે સત્યાગ્રહ સભા નામની નવી સંસ્થા સ્થાપવામાં આવી. તેની સાથે જ આ કાયદા પસાર ન કરવા ગાંધીજીએ વાઇસરૉયને બહુ વીનવ્યા, ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા, સત્યાગ્રહ સિવાય પોતાની પાસે બીજો માર્ગ નથી એ સ્પષ્ટ જણાવ્યું. પણ એ બધું એળે ગયું અને કાયદા પાસ થયા.

સત્યાગ્રહની લડત આત્મશુદ્ધિની હોઈ ઉપવાસ અને હડતાળથી લડતનો આરંભ કરવો એમ ગાંધીજીએ ઠરાવ્યું. હિંદુ લોકો સાધારણ રીતે ૩૬ કલાકનો ઉપવાસ કરે છે પણ મુસલમાન રોજા ઉપરાંત વધારે ઉપવાસ ન રાખે, એટલે આગલા દિવસની સાંજથી બીજા દિવસની સાંજ સુધીના ચોવીસ કલાકના રાષ્ટ્રીય