પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સરદાર વલ્લભભાઈ


ઉપવાસની ગાંધીજીએ શોધ કરી. તે વખતે ગાંધીજી આ પ્રશ્નને અંગે જ મદ્રાસ ગયેલા હતા. ત્યાંથી તેમણે આ જાતની સૂચના કાઢી. તેમાં ૧૯૧૯ના માર્ચની તા. ૩૦મી ઉપવાસ અને હડતાળ માટે જણાવવામાં આવી. પણ એટલા વખતમાં આખા દેશમાં ખબર પહોંચી નહીં વળે એમ લાગવાથી પાછળથી તે તારીખ ફેરવીને ૬ઠ્ઠી એપ્રિલ કરવામાં આવી. આ ફેરફારની ખબર દિલ્હી વખતસર ન પહોંચી એટલે દિલ્હીમાં ૩૦મી માર્ચ ઊજવાઈ. પહેલાં કદી ન પડેલી એવી હડતાળ પડી. હિંદુ અને મુસલમાન એકદિલ થઈ ભળ્યા. તે વખતે દિલ્હીમાં હકીમ સાહેબ અજમલખાનજી અને સ્વામી શ્રદ્ધાનંદજીની આણ વર્તાતી હતી. શ્રદ્ધાનંદજીને જુમ્મા મસ્જિદમાં ભાષણ કરવા માટે નોતરવામાં આવ્યા. આ બધું સત્તાવાળાઓ સહન ન કરી શક્યા. સરઘસને પોલીસે રોકવા માંડ્યું પણ તે વિખેરાયું નહીં એટલે પોલીસે ગોળીબાર કર્યા. ઘણા જખ્મી થયા અને થોડાના જાન પણ ગયા. વાતાવરણ બહુ જ તંગ થઈ ગયું. શ્રી શ્રદ્ધાનંદજીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા. પંજાબમાં લાહોર-અમૃતસરમાં પણ એવું જ ગરમાગરમ વાતાવરણ હતું. ત્યાંથી ડૉ. સત્યપાલ અને કીચલુએ ગાંધીજીને પંજાબ આવવા તાર કર્યા. તા. ૬ઠ્ઠી મુંબઈમાં ઊજવી સાતમીની રાતે ગાંધીજી દિલ્હી થઈ અમૃતસર જવા નીકળ્યા. પણ દિલ્હી પહોંચે તે પહેલાં પલવેલ નામના સ્ટેશને ગાડીમાંથી ઉતારી લઈ તેમને પકડવામાં આવ્યા.

છઠ્ઠી તારીખ આખા દેશમાં-શહેરમાં તેમ જ ગામડાંમાં-બહુ ઉત્સાહપૂર્વક ઊજવાઈ. અમદાવાદમાં ઘણા લોકોએ ઉપવાસ કર્યા. હડતાળ તો પરિપૂર્ણ હતી અને સાંજે નક્કી કરેલે વખતે સરદારની આગેવાની નીચે શહેરમાં પહેલાં કદી નહીં નીકળેલું એવું મોટું સરઘસ નીકળ્યું. સ્ટેશન પરથી નીકળી નદીની રેતમાં પહોંચી સરઘસ સભાના આકારમાં ફેરવાઈ ગયું. સભા વિસર્જન થયા પછી કાયદાભંગ કાર્યક્રમ શરૂ થયો. તે માટે ગાંધીજીની જપ્ત થયેલી ચોપડીઓ ‘હિંદ સ્વરાજ’ અને ‘સર્વોદય’ છપાવીને વેચવાનું નક્કી થયું હતું. સરદાર અને બીજા જેમણે પ્રતિજ્ઞા લીધી હતી તેઓ એ વેચવા નીકળી પડ્યા. લોકોએ છાપેલી કિંમત કરતાં પણ વધારે પૈસા આપીને તે ખરીદી. પણ કોઈ ને પકડવામાં ન આવ્યા. એમ માલૂમ પડ્યું કે સરકારે તો અમુક આવૃત્તિઓ જપ્ત કરી હતી એટલે નવી આવૃત્તિ છાપવામાં, વેચવામાં કે ખરીદવામાં ગુનો ન ગણાય. બીજા દિવસથી પ્રેસ એક્ટ પ્રમાણે સરકારની પરવાનગી લીધા વિનાના ‘સત્યાગ્રહ પત્રિકા’ નામના દૈનિકની સાઇક્લોસ્ટાઈલથી કાઢેલી નકલો વેચવા માંડી. એ પત્રિકા તૈયાર કરવાનું બધું કામ સરદારના ભદ્રના મકાનમાં જ થતું. તેમાં પણ સરકારે કાંઈ કાયદાભંગ ન ગણ્યો. તા. ૯મીએ તો ગાંધીજીને પકડ્યાના સમાચાર દેશમાં વીજળીવેગે ફેલાઈ ગયા અને લાહોર-અમૃતસરમાં