પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
રોલૅટ કાયદા સામે આંદોલન


અને અમદાવાદ તથા વીરમગામમાં ભારે તોફાનો થયાં. અમદાવાદમાં જેટલી હથિયારબંધ પોલીસ તથા લશ્કર હતું તેની મદદથી છૂટથી ગોળીબાર કરીને પહેલે દિવસે તો કેટલોક વખત તોફાનીઓને કાબૂમાં રાખવાનો સત્તાવાળાઓએ પ્રયત્ન કર્યો. પણ તા. ૧૦મીએ તોફાનીઓની સંખ્યા અને જોસ એટલું વધી પડ્યું કે પોલીસનું કાંઈ ચાલ્યું નહીં. તોફાને ચઢેલા લોકોએ પોલીસ ચોકીઓ બાળી, તાર ઑફિસ બાળી, કલેક્ટરની ઑફિસ તથા ભદ્રની સરકારી ઓફિસો બાળી. મૅટ્રિકની પરીક્ષા તે દિવસોમાં ચાલતી હતી તેનો મંડપ બાળી મુક્યો અને એક ગોરા સાર્જન્ટનું ખૂન કર્યું. મુંબઈથી ત્રીજે દિવસે લશ્કર આવી પહોંચ્યું અને માર્શલ લૉ જાહેર કર્યો. તેમાં ઘણા માણસો ઘાયલ થયા તથા માર્યા ગયા. ત્યાર પછી તોફાન કાબૂમાં આવ્યું. આ દિવસોમાં સરદાર અને શહેરના કેટલાક કાર્યકર્તાઓ તથા આશ્રમવાસીઓ શહેરમાં ઘૂમતા, લોકોને શાંત પાડવા પ્રયત્ન કરતા તથા ઘાયલ થયેલાઓને ઈસ્પિતાલમાં પહોંચાડવાની અને તેમનાં સગાંવહાલાંને અનાજ પૂરું પાડવાની વગેરે મદદ કરતા. લશ્કરી પહેરો શહેરમાંથી ઊઠી ગયા પછી પણ તાર ઑફિસ તથા ઈમ્પીરિયલ બૅન્ક આગળ તથા સરદારના ઘર પાસે ગુજરાત ક્લબમાં ગોરી પલટણો રાખવામાં આવેલી. એક સાંજે ઇન્દુલાલ યાજ્ઞિક જેઓ ઘણી વાર સરદારને ત્યાં સલાહ મસલત માટે આવતા તેઓ ઘરમાં કોઈ નહોતું અને આવેલા. મોં ધોવા માટે બાથરૂમમાં ગયા. ત્યાંની બત્તી કરી. તે ઠારીને બીજા ઓરડામાં ગયા. ત્યાંની બત્તી ઠારી ને ત્રીજા ઓરડાની બત્તી કરી. પેલી પલટણવાળાને લાગ્યું કે સરદારના મકાનમાંથી આ કાંઈ સિગ્નલો થાય છે એટલે તેમણે તો મકાનની આસપાસ પહેરો ગોઠવી દીધો. સરદાર બહારથી તે વખતે જ ઘેર આવ્યા ત્યારે લશ્કરના ઉપરીએ તો લશ્કરી ઢબે તેમને ઘરમાં દાખલ થતા રોકીને સામે પિસ્તોલ ધરીને વાત કરવા માંડી. ઘરમાં આવીને કાંઈ તપાસ કરવી હોય તો કરવા સરદારે એને કહ્યું. પેલો આ નાહકની ધાંધલ કરવા માટે શરમાઈ ને ચાલ્યો ગયો.

સરકારી અમલદારોની હલકી ખુશામત કરનારા એક મ્યુનિસિપલ કાઉન્સિલરે પોલીસને એવી ખબર આપી કે મેં સરદારને તાર ઑફિસને બાળી મૂકવા માટે દીવાસળી ચાપતા જોયેલા. તેમની સાથે ડૉ. કાનુગા અને બચુભાઈ વકીલ હતા. આ બાતમી પરથી પૂનાથી છૂપી પોલીસ આવી. તેણે તપાસ કરવા માંડી. કલેક્ટરને એની ખબર પડી ત્યારે એણે કહ્યું કે, “આ મકાનો બાળવામાં આવ્યાં ત્યારે તો બધી વખત સરદાર મારી પાસે બેઠેલા હતા અને શા ઉપાયો લેવા તેની અમે ચર્ચા કરતા હતા.” આ પરથી એ તપાસ માંડી વાળવામાં આવેલી. પેલા બાતમી આપનારનું નામ આપીને કલેક્ટરે પોતે આ