પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સરદાર વલ્લભભાઈ

વાત સરદારને પાછળથી કરી ત્યારે જાહેર સંસ્થાઓમાં ભાગ લેતા આપણા માણસો અમલદારોને વહાલા થવા કેટલી હદ સુધી જાય છે અને કેવા ભાગ ભજવે છે તે ખબર પડી. આ તોફાનો દરમિયાન અને પછીના સરદારના શાંતિ સ્થાપવાના પ્રયાસથી અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. હિલીનો સરદાર ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે એ માણસે ત્યાર પછી દસ વર્ષે સરકારને એવી સલાહ આપેલી કે, “વલ્લભભાઈ વિના બારડોલીમાં શાંતિ ન જળવાય.”

ગાંધીજીને તા. ૮મીએ પલવેલને સ્ટેશને પકડ્યા પછી પોલીસે તા. ૧૦મીએ બપોરે મુંબઈ આણીને છોડી મૂક્યા. એમના પકડાયાના સમાચાર તો એમની આગળ મુંબઈ પહોંચ્યા હતા અને લોકો તોફાને ચઢ્યા હતા. ગાંધીજી ઊતરીને તરત તોફાનને સ્થળે પહોંચ્યા પણ તેઓ કાંઈ કરી શકે તે પહેલાં જ ભાલા ઉગામતી પોલીસની ઘોડેસવાર ટુકડીએ લોકોને વીખેરી નાખ્યા. ઘણા લોકો છુંદાયા અને ઘાયલ થયા એ ગાંધીજીએ નજરે જોયું. તેઓ ત્યાંથી પોલીસ કમિશનરની ઓફિસે ગયા અને તેને સમજાવવા લાગ્યા કે, “ઘોડેસવાર ટુકડી મોકલવાની જરૂર નહોતી એમ મને તો લાગે છે.” કમિશનરે જવાબ આપ્યો: “એની તમને ખબર ન પડે. તમારા શિક્ષણની લોકો ઉપર કેવી અસર થઈ છે તેની ખબર અમને પોલીસને તમારા કરતાં વધારે પડે. . . . તમે જાણો છો કે અમદાવાદમાં શું ચાલી રહ્યું છે? અમૃતસરમાં શું થયું છે? લોકો બધે ગાંડા જેવા થઈ ગયા છે. મને પણ પૂરી ખબર નથી. કેટલીક જગ્યાએ તાર પણ તૂટ્યા છે. હું તો તમને કહું છું કે, આ બધાં તોફાનની જવાબદારી તમારે શિર છે.”

ગાંધીજીનો ઇરાદો તો વળતી ટ્રેને પાછા જઈ પોતાની ઉપરના હુકમનો અનાદર કરવાનો હતો. પણ મુંબઈનો મામલો જોઈને એમને લાગ્યું કે તે ને તે દિવસે તો જવાનું બને એમ નહોતું. સાંજે ચોપાટી ઉપર સભા કરી તેમાં એકઠી થયેલી પ્રચંડ માનવમેદનીને પોતાના લેખી ભાષણ દ્વારા ગાંધીજીએ સમજાવ્યું કે: “લોકો શાંતિ ન જાળવે તો મારાથી સત્યાગ્રહની લડત કદી ન લડી શકાય.”

બીજે દિવસે અમદાવાદના વધારે સમાચાર મળ્યા. અમદાવાદમાં સત્તાવાળાઓ કાબૂ ગુમાવી બેઠા હતા. મુંબઈથી અમદાવાદ જતી લશ્કરી ટુકડીને રોકવાના ઇરાદાથી કેટલાક લોકોએ નડિયાદ સ્ટેશન પાસે રેલના પાટા ઉખેડી નાખ્યા હતા, વીરમગામમાં મામલતદારનું ખૂન થયું હતું, વગેરે. એટલે દિલ્હી અને પંજાબ જવાનું તો માંડી જ વાળ્યું અને તે જ રાતે અમદાવાદ જવા નીકળ્યા. ત્યાં પહોંચીને જોયું કે ત્યાં તો માર્શલ લૉ ચાલતો હતો. સ્ટેશનેથી