પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
રોલૅટ ફાયદા સામે આંદોલન

સીધા કમિશનર મિ. પ્રૅટને જઈને મળ્યા. તેઓ તો ભારે ગુસ્સામાં હતા. છતાં બની શકે તેટલી વાતો કરી પરિસ્થિતિ સમજી લીધી અને તા. ૧૩મી ને રવિવારે આશ્રમમાં સભા ભરવાની રજા મેળવી તથા લોકોને ત્યાં આવવા દેવામાં પોલીસ કે સોલ્જરો તરફથી કશી દખલ ન થાય એવી ગોઠવણ કરી. ગાંધીજીનું લખેલું ભાષણ સરદારે વાંચ્યું. ભાષણમાં લોકોને પોતાના દોષોનું ભાન કરાવવાનો પ્રયત્ન હતો. ગાંધીજીએ પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને લોકોને એક દિવસના ઉપવાસ કરવાની સલાહ આપી. લોકોને પોતાના ગુના કબૂલ કરવાનું તથા સરકારને ગુના માફ કરવાનું સૂચવ્યું. એ સલાહ તો બેમાંથી એક્કેયે ન માની. ન લોકોએ ગુના કબૂલ કર્યા, ન સરકારે માફ કર્યા. જ્યાં લગી શાંતિનો પાઠ લોકો ન શીખી લે ત્યાં સુધી સત્યાગ્રહ મુલતવી રાખવાનો પોતાનો નિશ્ચય ગાંધીજીએ જાહેર કર્યો.

પંજાબમાં તો લોકોને દાબી દેવાને પાર વિનાના અત્યાચાર થયા. જે ગલીમાં એક ગોરી બાઈના ઉપર હુમલો થયો હતો ત્યાં થઈને જતા આવતા લોકોને હુમલાની જગ્યા આગળ કેટલાય દિવસ સુધી પેટે ચલાવ્યા. કૉલેજના વિદ્યાર્થીઓને યુનિયન જૅકને સલામ ભરવા માટે જવા આવવાના થઈને સોળ સોળ માઈલ લાહોરના એપ્રિલ માસના તાપમાં ચલાવ્યા અને અમૃતસરમાં જલિયાં બાગમાં સભા ઉપર ગોળીબાર કરી સેંકડો માણસની કતલ કરી. એ બધા સમાચારે જ્યારે બહાર આવ્યા ત્યારે આખા દેશમાં પ્રકોપ ભભૂકી ઊઠ્યો.

અમદાવાદમાં તોફાન ચાલતું હતું તે વખતે નડિયાદ સ્ટેશનની પાસે કેટલાક લોકોએ રેલના પાટા ઉખેડી નાખ્યા હતા. બારેજડી સ્ટેશન પાસે તારનાં દોરડાં કાપી નાખ્યાં હતાં. આને માટે એ બંને સ્થળે એક વર્ષ સુધી વધારાની પોલીસ રાખવાનું સરકારે ઠરાવ્યું અને તેના ખર્ચના રૂા. ૧૫,૫૫૬ નડિયાદના પાટીદારો તથા વાણિયાઓ પાસેથી અને રૂ. ૬,૦૨૮ બારેજડી તથા નાંદેજના ખાતેદારો પાસેથી દંડ તરીકે લેવાનું નક્કી કરી એ પ્રમાણેનો હુકમ તા. ૧૬મી મેએ ખેડાના કલેક્ટરે બહાર પાડ્યો. આમાં ગમ્મત એ છે કે આ બધા ખળભળાટ દરમિયાન નડિયાદમાં સારી શાંતિ જળવાઈ તે માટે એ જ કલેક્ટરે નડિયાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી ગોકળદાસ તલાટી ઉપર ધન્યવાદનો નીચે પ્રમાણે કાગળ તા. ૨૧મી એપ્રિલે લખ્યો હતો:

“હું માનપૂર્વક કહેવા ઈચ્છું છું કે ચિંતા અને ખળભળાટના જે સમયમાંથી સદ્‌ભાગ્યે હવે આપણે નીકળી ગયા છીએ તે સમયે નડિયાદના વતનીએાએ ઘણી સારી રીતે કાયદો અને શાંતિ જાળવી રાખ્યાં તે વખાણવા યોગ્ય હતું. જે આગેવાનોએ સુલેહ જાળવવામાં પોતાની લાગવગ વાપરી તેઓને ખસૂસ ધન્યવાદ ધટે છે.”