પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સરદાર વલ્લભભાઈ


પણ ત્યાર પછી કલેક્ટર, મુંબઈ પ્રાંતના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અને ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ વચ્ચે મસલતો થઈ અને આખી બાજી ફરી ગઈ. પાટા કોણે ઉખાડ્યા તેની તપાસ ચલાવી અમુક માણસોને પકડવામાં આવ્યા. તેમના કેસનો ચુકાદો અદાલતે તો ૧રમી ઑગસ્ટે આપ્યો પણ તે પહેલાં જ નડિયાદના પાટીદારો અને વાણિયાઓને કલેક્ટરે ગુનેગાર ઠરાવી દીધા અને તેમનો દંડ કર્યો. તેનાં જે કારણો કલેક્ટરે પોતાના હુકમમાં આપ્યાં છે તે રમૂજી હોઈ ટૂંકાવીને નીચે આપ્યાં છે:

૧. નડિયાદના લોકોએ રેલના પાટા ઉખેડી નાખ્યા એમાં કાંઈ શક જ નથી. તેમાંના ઘણાખરા પાટીદાર છે.

૨. ગયે વર્ષે જમીનમહેસૂલ નહીં ભરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે મિ. ગાંધીનું મથક નડિયાદમાં હતું. એ હિલચાલથી લોકોમાં અમલદારો અને સરકાર પ્રત્યેનું માન ઘટ્યું.

૩. વાણિયાઓને ખાસ જવાબદાર ગણવાનું કારણ એ છે કે તેઓએ સરકારની સામે ઉશ્કેરણી કરી. વાણિયાઓ મુખ્યત્વે કરીને વેપારી છે. તેમણે દુકાનો બંધ કરીને ખળભળાટ મચાવ્યો અને હુલ્લડખોરોને ઉત્તેજન આપ્યું. નડિયાદમાં પહેલી હડતાલ ૬ઠ્ઠી એપ્રિલે કંઈ પણ કારણ વિના પાડવામાં આવી અને તેમાંથી જ ૧૧મી તારીખે જે દંગો થયો, તેની તૈયારી થઈ. . . . મિ. ગાંધી, મિ. ગોકળદાસ તલાટી અને મિ. ફૂલચંદ શાહ વાણિયા છે.

૪. જે ગુનો નડિયાદમાં થયો તે સાબિત કરવામાં મદદ આપવાની નડિયાદીઓને મેં તક આપી હતી. પણ નડિયાદના એક પણ આગેવાને મને અગત્યની ખબર નથી આપી.

જેમ નડિયાદ-બારેજડીનો દંડ કર્યો તેમ અમદાવાદ શહેરનો પણ રૂપિયા નવ લાખ દંડ કરવામાં આવ્યો અને વીરમગામનો રૂ. ૪૨,૦૦૦ દંડ કરવામાં આવ્યો. શહેરીઓમાંથી યોગ્ય લાગે તેવાઓને મુક્ત કરવાની કલેક્ટરને સત્તા હતી. છતાં સરદાર અને બીજાઓ જેમણે ભારે મદદ કરેલી તેમને મુક્તિ આપવામાં નહોતી આવી. તેમાંથી જે પ્રકરણ ઊભું થયું તે વિષે ગાંધીજી તા. ૧૧-૭–’૨૦ના ‘નવજીવન’ માં લખે છે:

“કેટલાકને દંડમાંથી મુક્તિ આપવામાં આવી પણ શ્રી વલ્લભભાઈ પટેલ અને ડૉ. કાનુગાને એ મુક્તિનો લાભ મળી શક્યો નહીં. . . . તેઓએ રમખાણને શમાવવામાં તથા લોકોને શાંત પાડવામાં જીવને જોખમે અમલદારોને મદદ કરી હતી. . . . વિના વાંકે નાહક દંડ ભરવો એ આ બંને ગૃહસ્થોને માટે મુશ્કેલ કાર્ય હતું. સરકારને કનડવાની એમને ઇચ્છા નહોતી પરંતુ સ્વમાન જાળવવાની અને સત્યને જ માન આપવાની ઇચ્છા તેમનામાં તીવ્ર હતી.