પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
રોલૅટ કાયદા સામે આંદોલન

એટલે કશી હિલચાલ કે ધાંધલ કર્યા વિના દંડ ભરવાની પોતાની અનિચ્છા તેમણે સરકારને જણાવી. પરિણામે જપ્તીની નોટિસ નીકળી. ડૉ. કાનુગાના દવાખાનામાંના તેમના ગલ્લાને જપ્ત કરી તેમાંથી જોઈતાં નાણાં વસૂલ કરવામાં આવ્યાં શ્રી વલ્લભભાઈને ત્યાં તો જપ્તી અમલદારને ગલ્લો જોવામાં આવ્યો નહીં તેથી દીવાનખાનામાંથી એક કોચ જપ્ત કરી રીતસર નોટિસ સાથે હરાજ કરી તેમાંથી દંડ વસૂલ કરવો પડ્યો. આ બંને સત્યાગ્રહી ભાઈઓએ પોતાના અંતરના ધ્વનિને માન આપી શુદ્ધ સત્યાગ્રહનો દાખલો બેસાડ્યો છે તે માટે અમે તેમનું અભિનંદન કરીએ છીએ.”

પછી વળી બીજું પ્રકરણ ઊભું થયું. સરદાર તથા અમદાવાદના બીજા એક બૅરિસ્ટર શ્રી જીવણલાલ વ્રજરામ દેસાઈ તથા વકીલોમાંથી શ્રી ગોપાળરાવ રામચંદ્ર દાભોલકર, શ્રી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ, શ્રી કાળીદાસ જસકરણ ઝવેરી તથા શ્રી મણિલાલ વલ્લભજી કોઠારી, જેમણે રોલૅટ કાયદા સામે સત્યાગ્રહ કરવાની પ્રતિજ્ઞા ઉપર સહીઓ કરી હતી, તેમને સત્યાગ્રહ સભામાંથી છૂટા ન થાય ત્યાં સુધી વકીલાત કરવાને માટે નાલાયક ગણવા જોઈએ, એવી મતલબનું લખાણ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજે હાઈકોર્ટમાં કર્યું. તે ઉપરથી હાઈકોર્ટે તેમના ઉપર નોટિસ કાઢી અને કેસની સુનાવણી મુંબઈ હાઈકોર્ટના જજોની ‘ફૂલ બેન્ચ’ આગળ તા. ૨૪–૭–’૧૯ના રોજ થઈ. વકીલ-બૅરિસ્ટરો તરફથી સર ચિમનલાલ સેતલવાડે મુખ્ય દલીલો કરી. સર ચિમનલાલની દલીલોનો ધ્વનિ એ હતો કે:

સત્યાગ્રહની પ્રતિજ્ઞા પર સહી કરવી એ વકીલાતના ધંધાને અંગે ગેરવર્તણૂક કહેવાય જ નહીં. . . . આ પ્રતિજ્ઞા લેવાથી બીજા કોઈ પ્રકારની ગેરવર્તણૂકનો આરોપ પણ તેમની ઉપર મૂકી શકાય નહીં. આવી પ્રતિજ્ઞા લીધાથી તેમને કલંક લાગતું નથી પણ ઊલટા તેઓ આબરૂદાર ઠરે છે. કારણ કે તેમની અંત:કરણની માન્યતા પ્રગટ કરવાની હિંમત તેમનામાં છે. આ માન્યતા ભૂલભરેલી હોઈ શકે, પણ તેમાં કશો નૈતિક દોષ સમાયેલો નથી. પ્રતિજ્ઞામાં ચોખ્ખું જણાવ્યું છે કે સત્યથી ચાલવાનું છે, અને કોઈને ઈજા કરવાની નથી. આવી પ્રતિજ્ઞા લેનાર માણસને કલંકિત કેમ ગણી શકાય?
સર ચિમનલાલે બીજો મુદ્દો એ રજૂ કર્યો કે:
સરકારનાં કેટલાંક કૃત્યો વિષે ટીકા કરતાં ઇંગ્લંડમાં ઘણી ઊંચી પદવી ધરાવતા કેટલાક નામાંકિત બૅરિસ્ટરોએ લશ્કરી બળથી સરકારની સામે થવાની ધમકી આપી હતી. તે છતાં તેમની સનદ ખૂંચવી લેવા વિષે કાંઈ પણ વિચાર કરવામાં આવ્યો ન હતો. હા, તેઓ કાંઈ કાયદા વિરુદ્ધ કાર્ય કરે તો તેમની સામે ફોજદારી કાયદાની રૂએ કામ ચલાવી શકાય, પણ તેમની સનદને ઈજા પહોંચાડી શકાય નહીં. . . . આ કામ ઘણું જ વહેલું