પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૧૪

અસહકાર

લાહોર, અમૃતસરનાં રમખાણો પછી સરકારે પંજાબમાં કરેલા અત્યાચારોના સમાચાર દેશમાં જ્યારે ફેલાયા ત્યારે આખા દેશમાં ભારે પુણ્યપ્રકોપ પ્રગટ્યો. સરકારનાં જુલમી કૃત્યો સામે અવાજ ઉઠાવે એવા પંજાબના તમામ આગેવાનોને સરકારે પકડી લીધા હતા. એટલે કૉંગ્રેસે ઠરાવ કર્યો કે ત્યાં જઈ તપાસ કરવી. એ ઠરાવને અનુસરીને ત્યાં બધી પરિસ્થિતિ જોવા જવા ઇચ્છનારા મિ. એન્ડ્રૂઝ, પં○ માલવીયજી, પં○ મોતીલાલજી, દેશબંધુ દાસ વગેરેને પંજાબમાં દાખલ થવાની રજા છેક જુલાઈમાં મળી અને ગાંધીજીને તો છેક ઑક્ટોબરમાં મળી. ગાંધીજીને રજા મળી તેના થોડા જ દિવસ અગાઉ એટલે તા. ૧૪-૧૦-’૧૯ના રોજ લશ્કરી કાયદા દરમિયાન પંજાબના અમલદારોએ કરેલાં કૃત્ય વિષે તપાસ કરવા સરકાર તરફથી એક કમિટી નીમવામાં આવી. એ કમિટી તેના પ્રમુખ લૉર્ડ હંટરના નામ ઉપરથી હંટર કમિટી કહેવાય છે. પણ એ કમિટી નીમતાં પહેલાં વાઈસરૉયે અમલદારોને મુક્તિ આપનારો એક કાયદો પસાર કરીને કમિટીની સત્તાઓ મર્યાદિત કરી નાખી. એ કાયદાની મુખ્ય કલમનો સાર એ હતો કે, “૧૯૧૯ના માર્ચની તા. ૩૦મીએ અથવા ત્યાર પછી શુદ્ધ ઇરાદાથી અને તે કામ જરૂરનું હતું તેવી વાજબી સમજથી કોઈ અમલદારે તોફાન મટાડવા અને શાંતિ જાળવવાને સારુ જે કામ કર્યું હશે તે બાબતમાં તેની સામે દીવાની કે ફોજદારી કેસ કોઈ પણ કોર્ટમાં ચાલી શકશે નહીં.” બીજી એક કલમ એવી હતી કે, “કોઈ પણ માણસને માર્શલ લૉ દરમ્યાન સજા થઈ હશે તે સજા જ્યાં સુધી ગવર્નર અથવા તો તેના જેવા અધિકાર ભોગવતી બીજી કોઈ સત્તા રદ નહીં કરે ત્યાં સુધી કાયમ રહેશે.” બીજું, આ કમિટીમાં પાંચ ગોરા સભ્યો અને ત્રણ હિંદી સભ્યો હતા. કૉંગ્રેસની માગણી એવી હતી કે હિંદી સભ્યોમાં એક કૉંગ્રેસના પ્રતિનિધિને અને એક મુસ્લિમ લીગના પ્રતિનિધિને લેવા જોઈએ. પણ એ માગણી વાઈસરૉય સાહેબે નકારી. ત્રીજું, પંજાબના જે આગેવાનોને જેલમાં રાખવામાં આવ્યા હતા તેઓને જુબાની આપવા માટે લાવવામાં આવે એટલું જ નહીં પણ કમિટી આગળ પુરાવા રજૂ કરવા માટે વકીલ સાથે સલાહમસલત કરવાની તેમને પૂરી સગવડ આપવામાં આવે, એવી કૉંગ્રેસની

૧૩૭