પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
અસહકાર

ખિલાફતના પ્રશ્નમાં એમની સાથે ગાંધીજી પૂરેપૂરા ભળ્યા. ૧૯૨૦ના માર્ચમાં મુસ્લિમ ઉલેમાઓની સભામાં ગાંધીજી ગયા હતા ત્યાં આના ઉપાયનો વિચાર કરતાં કરતાં ગાંધીજીને એકાએક સ્ફૂરી આવ્યું કે ખિલાફતની બાબતમાં મુસલમાનોને ન્યાય ન મળે ત્યાં સુધી સરકારને રાજ્ય ચલાવવામાં મદદ ન કરવી જોઈએ. પહેલાં તો એમને અંગ્રેજી શબ્દ ‘નૉન-કોઆપરેશન’ સૂઝેલો. તે ઉપરથી ગુજરાતીમાં ‘અસહકાર’ શબ્દ એમણે જ બનાવ્યો. ખિલાફતને અંગેની સભાઓમાં ધીમે ધીમે એ વિચારને ખીલવ્યો અને તેની વિગતો આપતા ગયા.

તા. ૨૬-૫-’૨૦ના રોજ હંટર કમિટીનો રિપોર્ટ અને તેની ભલામણો ઉપર સરકારી ઠરાવ બહાર પડ્યા. ગાંધીજીની સત્યાગ્રહની તથા કાયદાના સવિનય ભંગની હિલચાલથી લોકોની કાયદાને માન આપવાની વૃત્તિ શિથિલ થઈ અને તેને લીધે તોફાનો થયાં એ જાતના હંટર કમિટીના નિર્ણયમાં ગોરા સભ્યોની સાથે હિંદી સભ્યો સંમત થયા પણ બીજી બધી બાબતોમાં ગોરા સભ્યોથી એઓ છૂટા પડ્યા. હિંદી સભ્યોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે તોફાનોને બળવો ધારી માર્શલ લૉ ચાલુ કરવામાં પંજાબની સરકારે ભૂલ કરી હતી અને માર્શલ લૉમાં જે જુલમો કર્યા તે અમાનુષી અને હિંદી પ્રજાનું અપમાન કરનારા હતા. છતાં આ બાબત ઉપર હિંદી સરકારે જે ઠરાવ બહાર પાડ્યો તે તો ચોખ્ખો આખી વસ્તુનો ઢાંકપિછોડો કરનારો હતો. પંજાબના અમાનુષી અત્યાચારો પાછળ મૂળ જેનો હાથ હતો તે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર સર માઈકલ ઓડવાયર વિષે ઠરાવમાં જણાવ્યું કે તેણે જે ભારે શક્તિ અને હિંમતથી મહા મુશ્કેલીના સમયમાં પોતાની ફરજ બજાવી તે માટે ના○ શહેનશાહની સરકાર તેની કદર કરે છે. જલિયાંવાલા બાગની કતલ કરનાર જનરલ ડાયર વિષે જણાવ્યું કે તેણે જલિયાંવાલા બાગમાં જે લશ્કરી બળ વાપર્યું તે ટોળાંને વિખેરવા જોઈએ તે કરતાં ઘણું વધારે હતું અને તેને ફરમાવવામાં આવે છે કે પોતાના હોદ્દાનું તેણે રાજીનામું આપવું. સર માઈકલ ઓડવાયરની પ્રશંસા કરનારા અને જનરલ ડાયરને નોકરીનું માત્ર રાજીનામું અપાવી જતો કરવાના આ ઠરાવથી હિંદી પ્રજાનો અસંતોષ ખૂબ જ વધ્યો.

હવે ખિલાફતના દગા સાથે પંજાબના અત્યાચારો અને બન્ને બાબતમાં પ્રજાને થયેલો અન્યાય એ અસહકાર માટે કારણો થયાં. આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાય થતા અટકાવવાનું શક્ય નથી, માટે સ્વરાજ્ય એ અસહકારનો ત્રીજો મુદ્દો થયો. દેશમાં ઠેર ઠેર સભાઓ દ્વારા આનો પ્રચાર થવા લાગ્યો. અલ્હાબાદમાં તા. ૯-૬-’૨૦ના રોજ મળેલી ખિલાફત પરિષદે અસહકારના ઠરાવને છેવટનું રૂપ આપ્યું અને પરિષદ તરફથી વાઈસરૉયને છેલ્લી તક આપવા એક કાગળ લખ્યો. ગાંધીજીએ પણ વાઈસરૉયને આ બાબતમાં