પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
અસહકાર


અત્યારે આપણી સામે સુધારાની જાળ પાથરવામાં આવી છે એમ કહી સુધારાનું પોકળ બહાર પાડે છે:

“ હાલનું ચાલતું રાજ્યતંત્ર પ્રજાનું વિત્ત અને નૂર ચૂસી લઈ તેને કચડી નાખનાર યંત્ર જેવું છે. તેમાંથી થોડાક વિલાયતી ભાગ ખસેડી દેશી ભાગ ગોઠવવાથી શો ફેર પડવાનો છે ? એક દેશી ગવર્નર થવાથી આપણો શો ઉદ્ધાર થવાનો છે ? અંગ્રેજ ગવર્નરમાં ઊંચા ખવાસના અને ચારિત્ર્યવાન ક્યાં નથી હોતા ? પોતાના ઉપર પ્રાણધાતક હુમલો થયો છતાં ચાંદની ચોકમાં કે દિલ્હીમાં કોઈનો વાળ પણ વાંક ન થવા દીધો એવા ના○ લોર્ડ હાર્ડિંગ જેવા મહાન પુરુષો એમનામાં ક્યાં નથી મળી આવતા? પણ ગટરમાં ગંગાજળના ચાર છાંટા નાખવાથી ગટર થોડી જ પવિત્ર થવાની હતી ? જ્યાં સુધી આખી રચનામાં ફેરફાર થાય નહીં, હિંદનું રાજ્યતંત્ર હિંદના હિતને માટે ચલાવાય નહીંં, પરદેશીઓના હિતને જ અગ્રપદ આપવામાં આવે, અંગ્રેજ નોકરોને રીઝવીને જ થોડાઘણા નામના સુધારા મહેરબાની દાખલ આપવામાં આવે, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના હક આપવામાં ન આવે ને આપણે જેની ભાગીદારી ઇચ્છીએ છીએ તેમનો મોટો ભાગ આપણા ઉપર ઝેર અને તિરસ્કારની નજરથી જુએ, ત્યાં સુધી એ સુધારાની જાળમાં ફસાવાથી આપણને શું લાભ થાય ? પંજાબના જેવું ફરીથી નહીંં બને એની સુધારામાં શી ખાતરી છે ?”

સરદારના ભાષણમાંથી ઉપર થોડા ઉતારા આપ્યા છે તે ઉપરથી એમની સીધી અને સોંસરી વિચારધારાનો આપણને પરિચય થાય છે. વળી ગુજરાતી ભાષામાં ઓજસ્વી શૈલીની છટા પણ લાવી શકાય છે તેનું એક સરસ ઉદાહરણ આપણને મળે છે. ગાંધીજીએ તા. ૫મી સપ્ટેમ્બર ૧૯૨૦ના ‘નવજીવન’ ના અગ્રલેખમાં લખ્યું છે:

“શ્રી વલ્લભભાઈ પટેલનું ભાષણ અને બુઝુર્ગ અબ્બાસ તૈયબજીનું ભાષણ વાંચતાં સૌ કોઈ કબૂલ કરશે કે તેમનાં ભાષણ દૃઢ, વિનયથી ભરેલાં અને દ્વિઅર્થથી રહિત હતાં. શ્રી વલ્લભભાઈએ સાદામાં સાદી ગુજરાતી ભાષામાં અસરકારક રીતે પોતાના વિચારો ટૂંકામાં બતાવી આપ્યા. અબ્બાસ સાહેબની ભાષા વિષે આપણે કંઈ કહી ન શકીએ કેમ કે તેમનું ભાષણ અસલ અંગ્રેજીમાં હતું. આવાં ટૂંકા છતાં આટલાં સીધાં, પ્રમુખનાં ભાષણ મેં ભાગ્યે જ જોયાં કે સાંભળ્યાં છે.”

અત્યાર સુધી ગુજરાતમાં કૉંગ્રેસનાં કામમાં આગેવાનીભર્યો ભાગ લેતા રા○ બ○ રમણભાઈ, બૅરિસ્ટર શ્રી મગનભાઈ ચતુરભાઈ વગેરે આ પરિષદમાં હાજર હતા અને તેમણે અસહકારના ઠરાવનો સખત વિરોધ કરેલો. પણ લોકોમાં અસહકારની હવા એવી ફેલાવા માંડી હતી કે તેમને બહુ ઓછા મત