પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સરદાર વલ્લભભાઈ


મળ્યા. લોકોમાં વિશેષ ઉત્સાહ હોવાનું મુખ્ય કારણ એ હતું કે કૉંગ્રેસના અને આવી રાજકીય પરિષદોના અત્યાર લગીના ઠરાવમાં સરકાર પાસે માગણીઓ કરવામાં આવતી. આ પરિષદમાં બધા જ ઠરાવો લોકોને કાંઈ ને કાંઈ કરવાને અપીલ કરનારા હતા.

અસહકારના ઠરાવમાં સરકારી ખિતાબોનો ત્યાગ કરી તથા સરકારી શિક્ષણ સંસ્થાઓ, અદાલતો તથા ધારાસભાઓનો બહિષ્કાર કરી સરકારને રાજ્ય ચલાવવામાં પ્રજા તરફથી મળતી મદદ ક્રમે ક્રમે પાછી ખેંચી લેવાનું હતું.

બીજો મહત્ત્વનો ઠરાવ આ પરિષદમાં થયો તે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને લગતો હતો. ઠરાવ નીચે પ્રમાણે છે :

“ ૧. આ પરિષદની એવી માન્યતા છે કે અંગ્રેજ સરકારે દાખલ કરેલી કેળવણીની પદ્ધતિ આપણા દેશની સંસ્કૃતિ અને પરિસ્થિતિને પ્રતિકૂળ તેમ જ અવ્યવહારુ નીવડી છે. અને તેથી વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, સ્વાશ્રયી, ચારિત્ર્યવાન હિંદીઓ બનાવવાની તાલીમ આપવાને સરકારથી સ્વતંત્ર ધોરણ પર રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓ રચવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે.
“ ૨. ઉપરનો હેતુ ખાસ કરીને ગુજરાતમાં સિદ્ધ કરવા માટે રાષ્ટ્રીય ધોરણ પર શાળાઓ, મહા પાઠશાળાઓ, ઉદ્યોગશાળાઓ, ઉર્દૂ શાળાઓ, આયુર્વેદિક આરોગ્ય શાળાઓ સ્થાપવાની અને તે બધી સંસ્થાઓના સમન્વય કરવાને ગુજરાતી વિદ્યાપીઠ (યુનિવર્સિટી) સ્થાપવાની આ પરિષદને જરૂર જણાય છે.
“ ૩. ઉપર જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણનો ગુજરાતમાં પ્રચાર કરવાને સારુ યોગ્ય ઉપાયો યોજવા આ પરિષદ એક કમિટી વધારાના સભાસદો નીમવાની સત્તા સાથે નીમે છે.”

આ કમિટીના મંત્રી તરીકે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને શ્રી કિશોરલાલ મશરૂવાળા નિમાયા. કમિટીએ વિદ્યાપીઠનું બંધારણ તથા નિયમાવલી ઘડી કાઢ્યાં. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦ના ઑક્ટોબરમાં અને ગુજરાત મહા વિદ્યાલયની સ્થાપના નવેમ્બરમાં થઈ. વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી જ સરદારે એને પોતાનું માનીતું બાળક માની લીધું છે અને ઉત્સાહ પૂર્વક તેનું પાલનપોષણ કર્યું છે. એની શિક્ષણવિષયક બાજુ એના નિષ્ણાતો ઉપર છોડી દઈ એમાં કદી એમણે માથું માર્યું નથી. પણ વિદ્યાપીઠની સ્થાપનાથી તે આજ લગી એને માટેના દ્રવ્યનો ભાર એમણે વહન કર્યો છે અને એ બાબતમાં હંમેશ એને નિશ્ચિંત રાખી છે.

સપ્ટેમ્બરમાં લાલા લજપતરાયના પ્રમુખપણા નીચે મળેલી કલકત્તાની ખાસ કૉંગ્રેસે અસહકારનો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તેમાં વિદેશી કાપડના