પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
અસહકાર


બહિષ્કારની અને ખાદીની વાત ખાસ ઉમેરવામાં આવી. કલકત્તામાં મોટા મોટા કૉંગ્રેસ નેતાઓ જેવા કે, બૅરિસ્ટર (પછીથી દેશબંધુ) દાસ, બિપિનચંદ્ર પાલ, બૅરિસ્ટર જયકર, બૅરિસ્ટર (પછીથી કાયદે આઝમ) ઝીણા, પં. માલવીયજી, મિસિસ બેસંટ, પં○ ગોકર્ણનાથ મિશ્ર, બૅરિસ્ટર બેપ્ટિસ્ટા તથા શ્રી સત્યમૂર્તિ, એમણે ઠરાવનો વિરોધ કર્યો અને મતગણતરીની માગણી થઈ. એમાં ગાંધીજીની તરફેણમાં ૧૮પર અને વિરુદ્ધમાં ૯૦૮ મત થયા. આ કૉંગ્રેસથી દેશના રાજકારણમાં ગાંધીયુગનો પ્રારંભ થયો એમ કહી શકાય. એમ તો અમૃતસરની કૉંગ્રેસ ઉપર ગાંધીજીનો પ્રભાવ ઓછો ન હતો, પણ કલકત્તાની કૉંગ્રેસથી નવી જ નીતિ શરૂ થઈ. બ્રિટિશ સરકારની મહેરબાનીથી આપણને સ્વરાજ્ય નથી મળવાનું, એ તો આપણી સ્વરાજ્યની કૂચમાં એનાથી બની શકે તેટલી અડચણો જ નાખવાની. એટલે એનો વિરોધ કરીને પ્રજાએ પોતાના પુરુષાર્થથી, પોતાના પરાક્રમથી સ્વરાજ સ્થાપવાનું છે એ વસ્તુ કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જાહેર કરી. આને લીધે નરમ પક્ષે તો કૉંગ્રેસનો ત્યાગ જ કર્યો અને જેઓ ગરમ પક્ષના ગણાતા હતા પણ અસહકારમાં ભળવા તૈયાર ન હતા તેમણે પણ નાગપુરની કૉંગ્રેસમાં છેવટનો પ્રયત્ન કરીને કૉંગ્રેસનો ત્યાગ કર્યો.

ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં નવા સુધારા પ્રમાણેની વિસ્તૃત મતાધિકારવાળી ધારાસભાઓની ચૂંટણી આવી. દાસબાબુ જેવા નેતાઓને ધારાસભાઓનો બહિષ્કાર પહેલેથી જ પસંદ ન હતો. કલકત્તામાં તેમણે અસહકારના ઠરાવનો વિરોધ કરેલો, પણ ધારાસભા બહિષ્કારની બાબતમાં પ્રબળ લોકમત જોઈને તેમણે ઉમેદવારી ન કરી. પ્રજાના જાણીતા આગેવાનોમાંથી ભાગ્યે જ કોઈએ ઉમેદવારી કરી. પણ નરમ દળના આગેવાનો અને બીજા કેટલાકને તો રખેવાળ કે વાડ વિનાના ખેતરમાં ભેલાડ કરવાનો સારો લાગ મળ્યો. ચૂંટણી મથકો ઉપર કોઈ જગ્યાએ એક ટકો, કોઈ જગ્યાએ બે ટકા અને પાંચ ટકાથી વધારે તો ક્યાંય નહીં એમ મતદારો મત આપવા ગયા. ઘણી જગ્યાએ એક પણ મતદારે મત ન આપ્યાનું જાહેર થયું. કેટલાક ઉમેદવારો તો સામે બીજો ઉમેદવાર જ ઊભો થયેલ ન હોવાથી બિનહરીફ ચૂંટાયા. સ્વાભિમાનને કોરે મૂકી તેઓ પોતાની મેળે જ પોતાને પ્રજાના પ્રતિનિધિ કહેવડાવવા લાગ્યા. સુરતમાં સરદારના પ્રમુખપણા નીચે મતદારોની એક પરિષદ ભરવામાં આવી. તેમાં ધારાસભાના આ સભ્યોને સ્વમાનનો વિચાર કરી પોતાની જગ્યાનાં રાજીનામાં આપી દેવા વિનંતી કરનારા, અને જેઓ પોતાના હકને વળગી રહી ધારાસભામાં બેસવાની પોતાની જીદ કાયમ રાખશે તેમનામાં મતદારોને બિલકુલ વિશ્વાસ નથી તથા તેમને ધારાસભામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે બોલવાનો કશો અધિકાર નથી એવું જાહેર કરનારા ઠરાવો પસાર કરવામાં આવ્યા.