પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
અસહકાર

રોકી હતી. ભાષણકર્તા પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી લાવ્યા હતા. તે પૂરું થયું એટલે પ્રમુખની રજા લઈ સરદાર તેનો જવાબ આપવા ઊભા થયા. તેમણે ગુજરાતીમાં શરૂ કર્યું એટલે કલેક્ટરની વિનંતીથી પ્રમુખે એમને અંગ્રેજીમાં બોલવાની સૂચના કરી. સરદારે કહ્યું કે, “હું ચર્ચા કરું એમ તમે ઇચ્છતા હો તો પછી મને જે ભાષામાં બોલવાનું યોગ્ય લાગે તે ભાષામાં બોલવાની છૂટ હોવી જોઈએ. કલેક્ટર સાહેબને તો હું ઓળખું છું. તેઓ મારા કરતાં પણ સારું ગુજરાતી જાણે છે. એમની સાથે બીજા ગોરા ગૃહસ્થ બેઠા છે તેમને હું ઓળખતો નથી. પણ જો તેઓ અમલદાર હોય તો તો એમને ગુજરાતી આવડવું જ જોઈએ.” અંતે કઈ ભાષામાં બોલવું તે પ્રમુખ સાહેબે ભાષણકર્તાના વિવેક ઉપર છોડ્યું અને સરદારે ગુજરાતીમાં બોલવાનો વિવેક વાપર્યો. પણ કલેક્ટર સાહેબથી આ સહન ન થયું, એટલે સરદારે બોલવાનું શરૂ કર્યું કે તરત તેમણે અને તેમની સાથે આવેલા ગોરા ગૃહસ્થે ઊઠીને ચાલવા માંડવાનો વિવેક વાપર્યો ! સરદારે પોતાની તળપદી ગુજરાતીમાં ભાષણકર્તાના સઘળા મુદ્દાના સચોટ રદિયા આપ્યા.

પણ સહકારીઓને વધારે ઊધડા તો એમના જ પસંદ કરેલા પ્રમુખ સાહેબે લીધા. તેમણે કહ્યું:

“અસહકારીઓનું જોર આટલું વધી ગયું છે તેનું કારણ એ જ છે કે તેઓ ખૂબ ભાષણો કરે છે, લોકોમાં ભળે છે અને કામ કરી તેમનાં મન હરણ કરી લે છે. આપણને ‘મૉડરેટો’ ને એમ લાગે છે કે તેઓ દિશા ભૂલેલા છે, પણ આપણે લોકોને સાચી દિશા તરફ દોરવા માટે શું કર્યું? અમદાવાદમાં રા○ બ○ રમણભાઈ જેવા, શ્રી મૂળચંદ શાહ જેવા, અને દી○ બ○ હરિલાલ દેસાઈ જેવા ભારે ‘મૉડરેટો’ પડ્યા હોય છતાં અસહકારનો વિરોધ કરવાનું કામ આજના વ્યાખ્યાતા જેવા નાના માણસને માથે આવી પડે છે એ ‘મૉડરેટો’ની કર્તવ્યવિમુખતા સૂચવે છે.”

પછી તા. ૩૦મી મે અને ૧લી જૂનના રોજ પાંચમી ગુજરાત રાજકીય પરિષદ થઈ. સરદાર તેના પ્રમુખ ચૂંટાયા. એ પરિષદમાં મૌ○ મહમદઅલી અને શૌકતઅલીએ હાજરી આપી હતી. 'એક વર્ષમાં સ્વરાજ્ય’ના ઉત્સાહના પૂર જોશમાં આ પરિષદ ભરાઈ હતી. સરદારનું પ્રમુખ તરીકેનું ભાષણ એ ઉત્સાહનો પડઘો પાડે એવું હતું. આપણે કેવું સ્વરાજ્ય જોઈએ છે તેનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું:

“આપણે એવું સ્વરાજ્ય ઈચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતાં નહીં હોય; પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોનાં છોકરાંઓના મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહીં આવતું હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારુ પારકા દેશ ઉપર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજકારભાર પરદેશી