પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
અસહકાર

પણ તે ખોટું પડ્યું છે. . . . અમલદારોની પ્રેરણા કે આશ્રયથી આ મંડળો સ્થપાતાં હોય તો તેથી શાંતિને બદલે અશાંતિનો ભય વધારે છે. આ મંડળ સ્થાપનારાઓનો હેતુ શો હશે એની મને સમજ પડતી નથી. શું આજ સુધી તેઓ અશાંતિ કે અરાજકતા પસંદ કરનારા હતા? તેમનો પ્રજા ઉપર કેટલો કાબૂ છે તેની એમને ખબર હોવી જોઈએ. આવાં મંડળ કાઢવાથી તેઓ પોતાનું કાર્ય સાધી શકશે કે જાણ્યેઅજાણ્યે સરકારનાં હથિયાર બની થોડીઘણી રહેલી પ્રતિષ્ઠા પણ ગુમાવશે એ વિચારવાનું કામ હું એમને સોંપું છું. શું એમને ખબર નથી કે અત્યારની હિંદુસ્તાનની અજબ શાંતિ સરકારની તોપ કે બંદૂકથી નથી રહેલી? દેશમાં જે શાંતિ વર્તી રહી છે તે તો અહિંસાત્મક અસહકારનો જ પ્રતાપ છે. શાંતિનાં મંડળો અસહકારીઓએ ગામેગામ અને શેરીએ શેરીએ લડત શરૂ કરી ત્યારથી જ સ્થાપેલાં છે. ગાડા તળે પેસી કૂતરું ગાડું ઘસડવાનું માન ખાટવા ઈચ્છે તો ભલે, પણ બકરું કાઢતાં ઊંટ ન પેસે એ યાદ રાખવાની જરૂર છે. . . ."

આ ભાષણ વિષે ‘નવજીવન’ની એક નોંધમાં ગાંધીજી જણાવે છે:

“પ્રમુખનું ભાષણ ટૂંકું, સાદું, મુદ્દાસર અને વિનયી હતું. તેમાં જેટલો વિવેક તેટલું જ શૌર્ય હતું. હિંમત અથવા શૌર્યની સાથે તોછડાઈ, ગરમ વિશેષણો વગેરે હોવાં જ જોઈએ એમ આપણે ઘણી વાર માની લઈએ છીએ. શ્રી વલ્લભભાઈ પટેલે બતાવી આપ્યું છે કે શુદ્ધ જોરની સાથે તો શુદ્ધ સભ્યતા જ હોય.”

તા ૩૦મી જૂને કરોડ રૂપિયાનો તિલક સ્વરાજ્ય ફાળો કરવાનો કાર્યક્રમ પૂરો થયો. પછી ૩૦મી સપ્ટેમ્બર પહેલાં વિદેશી કાપડનો બહિષ્કાર પૂરો કરવાનો કાર્યક્રમ પ્રજા આગળ મૂકવામાં આવ્યો. કારણ એક વરસમાં સ્વરાજ્ય સ્થાપવાનું હતું અને ગાંધીજી કલકત્તાની ખાસ કૉંગ્રેસથી એક વર્ષ ગણતા હતા. વિદેશી કાપડનો બહિષ્કાર પૂરો કરવા માટે પહેલી ઑગસ્ટે એટલે તિલક મહારાજની પહેલી સંવત્સરીને દિવસે આખા દેશમાં-શહેરોમાં તથા ગામડે ગામડે વિદેશી કાપડની હોળી કરવાનું ઠરાવવામાં આવ્યું. એમાં અમદાવાદ અને મુંબઈની હોળીઓ કદાચ સૌથી મોટી હશે. સરદારે એમના બૅરિસ્ટરના ઝભ્ભા ઉપરાંત ડઝનબંધી સૂટો, નેકટાઈઓ, બસો અઢીસો જેટલા કોલર (કોલર મુંબઈ ધોવા મોકલતા) અને દસેક જોડી બૂટ બાળ્યા હતા. લોકોનો ઉત્સાહ પણ માતો નહોતો. હોળી શરૂ થયા પછી તેમાં લોકોએ પોતાનાં અંગ ઉપરથી કાઢીને પરદેશી વસ્ત્રો અને ટોપીઓને વરસાદ વરસાવ્યો.

પરદેશી કાપડની હોળીની સાથે જ પરદેશી કાપડની દુકાનો પર અને દારૂના પીઠાં ઉપર ચોકી શરૂ થઈ. એમાં બહેનોએ આગળપડતો ભાગ લીધો. પરદેશી કાપડના બહિષ્કારનો કાર્યક્રમ ખૂબ ઝપાટાથી ચાલ્યો, એટલે સ્વાભાવિક રીતે જ દેશમાં કાપડની તંગી ઊભી થઈ. પણ અંકુશો અને મોંઘવારીને કારણે