પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
અસહકાર


અને ચોકી કરનારાઓએ પીઠાના બારણાથી ત્રીસ ફૂટ દૂર ઊભા રહેવું જોઈએ. આ શરતોથી ચોકી લગભગ અશક્ય થઈ જતી હતી. સ્વયંસેવકો તો આ હુકમનો ભંગ કરી લડત આપવા થનથનાટ કરવા લાગ્યા. પણ સરદાર ઉતાવળ કરે એમ નહોતા. તેમણે જોયું કે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ સાવ કાયદા વિરુદ્ધ હતો એટલે દારૂનિષેધ સમિતિ પાસે ઠરાવ કરાવીને જાહેર કરાવ્યું કે હુકમ કાયદા વિરુદ્ધ છે અને સમિતિનો ઉદ્દેશ, પોલીસ અધિકારીઓના જેટલો જ, બલ્કે વધારે શાંતિ જાળવવાનો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડાહ્યો માણસ હોવો જોઈએ. તે પોતાની ભૂલ સમજી ગયો. પહેલાં તે પોતાના હુકમમાં ફેરફાર કર્યો પણ પછી આખો હુકમ પાછો ખેંચી લીધો.

સપ્ટેમ્બર માસમાં લશ્કરમાં ફિતૂર ફેલાવવાના આરોપસર અલીભાઈઓને સજા કરવામાં આવી. મુંબઈના ગવર્નરે એમાં રાજદ્રોહ જોયો એટલે ગાંધીજીએ જાહેર કર્યું કે :

“તેઓ નામદારને ખબર હોવી જોઈએ કે ચાલુ સરકાર સામે અપ્રીતિ ફેલાવવી એ તો કૉંગ્રેસનું બિરદ જ થઈ પડ્યું છે. જેને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે એવા જોર ઉપર સ્થપાયેલી આ સરકાર સામે અપ્રીતિ ફેલાવવા પ્રત્યેક અસહકારી બંધાયેલો છે. અસહકાર મૂળે ધાર્મિક અને નૈતિક પ્રવૃત્તિ હોવા છતાં ચાલુ રાજ્યતંત્રને ઇરાદાપૂર્વક ઉથલાવી નાખવા માગનારી એ પ્રવૃત્તિ છે અને તેથી ઇન્ડિયન પિનલ કોડની રૂએ અલબત્ત તે રાજદ્રોહી પ્રવૃત્તિ છે.”

આ ઉપરાંત તા. પ-૧૦-’૨૧ના રોજ સેંકડો અસહકારીઓ — જેમાં અલબત્ત સરદાર હતા જ — ની સહીથી એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં ભારપૂર્વક જણાવ્યું કે:

“હિંદની પ્રજાકીય આકાંક્ષાઓને કચડી નાખતા આ રાજ્યતંત્રમાં કોઈ પણ હિંદીએ મુલકી અને ખાસ કરીને લશ્કરી સિપાઈ તરીકેની નોકરી કરવી એ હિંદના રાષ્ટ્રીય મોભાને ધક્કો પહોંચાડનારું છે. દરેક હિંદી સિપાઈ અને મુલ્કી નોકરની એ ફરજ છે કે તેણે સરકારની જોડેનો પોતાનો સંબંધ છોડી દેવો અને પોતાના ગુજરાનનું બીજું કાંઈ પણ સાધન શેાધી લેવું.”

આમ અલીભાઈઓને જે ગુનાસર સજા કરવામાં આવી હતી તે ગુનો લગભગ બધા જ આગેવાનોએ જાહેર રીતે કર્યો.

કચ્છના કેટલાક ભાઈઓના આગ્રહથી દિવાળી પછી ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા. સરદાર સાથે હતા જ. ઉપરાંત શ્રી લક્ષ્મીદાસભાઈ, વેલાંબહેન અને તેમની પાંચ છ વર્ષની ઉંમરની દીકરી ચિ. આનંદી સાથે હતાં. મહાદેવભાઈ