પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
અસહકાર


પણ ઘટાડો થાય, આવી તરંગી ગણતરી કરીને તેમણે યુવરાજની હિંદમાં પધરામણી કરવાનું નક્કી કર્યું. યુવરાજને બોલાવવામાં ચોક્કસ રાજદ્વારી ઉદ્દેશ હતો, છતાં લૉર્ડ રીડિંગે જાહેર કર્યું કે યુવરાજ પોતાની ભાવિ હિંદી પ્રજા પ્રત્યેના સદ્‌ભાવ અને પ્રેમની વૃત્તિને આધીન થઈને જ હિંદુસ્તાન આવે છે. યુવરાજના આગમનની વાત સાંભળી કે તરત જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, વ્યક્તિ તરીકે રાજા કે યુવરાજ પ્રત્યે અમારા દિલમાં અપ્રીતિ નથી. પણ યુવરાજ અત્યારે સલ્તનતના એક પ્રતિનિધિ તરીકે અહીં આવે છે, અને આ સલ્તનતને મિટાવી દેવાની આખા દેશે લડત ઉપાડી છે તે વખતે તેઓ અહીં ન આવે એમાં જ એમની શોભા છે. એમ છતાં પ્રજાની લાગણીઓને તુચ્છકારી એમને અહીં લાવવામાં આવશે તો એમના માનમાં થનારા તમામ માનમેળાવડા, સરઘસ વગેરેનો બહિષ્કાર કરવાની પ્રજાને મારે સલાહ આપવી પડશે. ગાંધીજીની આ ચેતવણીની સરકારે અવગણના કરી અને યુવરાજ હિંદુસ્તાન આવ્યા. ૧૭મી નવેમ્બરે તેઓ હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ઊતર્યા. તે દિવસે આખા દેશમાં સોગ પાળવામાં આવ્યો અને હડતાળો પડી. પણ આમવર્ગની ઉશ્કેરણીના કેટલાક પ્રસંગ બન્યા તેને પરિણામે મુંબઈમાં તોફાનો થયાં. તે દિવસે ગાંધીજી મુંબઈમાં હતા. એમણે તોફાનો શમે નહીં ત્યાં સુધી અનશન જાહેર કર્યું. શહેરના તમામ કોમના આગેવાનો મુંબઈમાં લત્તે લત્તે શાંતિ સ્થાપવા ફર્યા. ગાંધીજીને શાંતિ સ્થપાયાની ખાતરી થઈ એટલે તેમણે તા. ૨૨મીએ પોતાના ઉપવાસ છોડ્યા. વર્ષ પૂરું થતાં પહેલાં સ્વરાજ્ય ન મળે તો ગાંધીજી પોતે પસંદ કરેલા ક્ષેત્રમાં સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવાના હતા. પણ મુંબઈનાં તોફાનને લીધે એ કાર્યક્રમ તત્કાળ પૂરતો મુલતવી રાખ્યો અને ક્યારે લડત ઉપાડવી તેનો વિચાર અમદાવાદમાં ડિસેમ્બર આખરે કૉંગ્રેસ ભરાય તે વખતે કરવાનું રાખ્યું. દરમ્યાન લોકો ઉપર બરાબર કાબૂ રાખી શકે અને શિસ્તનું પાલન કરી તથા કરાવી શકે એવાં સ્વયંસેવક દળ રચી તેમને સંગઠિત કરવાનું કૉંગ્રેસે નક્કી કર્યું. એની સામે સરકારે છૂટેદોર દમન શરૂ કર્યું. કૉંગ્રેસના સ્વયંસેવક દળોને ગેરકાયદે ઠરાવ્યાં અને અખિલ ભારતીય ગણાતા ઘણાખરા નેતાઓને પકડી લીધા. આમાં દેશબંધુ દાસ, પંડિત મોતીલાલ નેહરુ, પંડિત જવાહરલાલ, પુરુષોત્તમદાસ ટંડન, લાલા લજપતરાય, મૌલાના અબુલ કલામ આઝાદ, રાજાજી, એ મુખ્ય ગણાય, તે ઉપરાંત પચીસથી ત્રીસ હજાર નાના મોટા કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકને પકડ્યા. છતાં જયાં જ્યાં યુવરાજ ગયા ત્યાં ત્યાં એમનો સખત બહિષ્કાર થયો. એમનું સરઘસ નીકળે ત્યાં રસ્તાની બાજુએ લોકો કાળા વાવટા લઈને ઊભા રહેતા, અને મકાનોનાં બારીબારણાં તથા દુકાનો બંધ રાખતા. આ સ્થિતિ લાહોર, દિલ્હી, અલ્લાહાબાદ, પટણા