પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સરદાર વલ્લભભાઈ


વગેરે શહેરોમાં થઈ. છેવટે કલકત્તામાં યુવરાજ પહોંચે તે પહેલાં સમાધાન થાય તો ત્યાં ખરાબ દેખાવો થતા અટકે એ હેતુથી વાઈસરૉયે એક પેંતરો રચ્યો. તેમણે માલવિયાજીને સાધ્યા. યુવરાજનો બહિષ્કાર ગાંધીજી પાછો ખેંચી લે તો પોતે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ બોલાવવા તૈયાર છે એમ તેમને કહ્યું. તે ઉપરથી માલવિયાજીએ તા. ૧૬મી ડિસેમ્બરે ગાંધીજીને તાર કર્યો કે:

“સાત જણનું પ્રતિનિધિમંડળ વાઈસરૉયના મન ઉપર રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની જરૂર ઠસાવવા માટે તા. ૨૧મીએ તેમને મળે એવી હું તજવીજ કરું છું. જો તેઓ પરિષદની વાત કબૂલ કરે અને દમન બંધ કરી નેતાઓને મુક્ત કરે તો તમે શાહજાદાના સત્કારનો વિરોધ છોડી દેશો અને પરિષદ ખતમ થતાં સુધી સવિનય ભંગ મુલતવી રાખશો એમ વાઈસરૉયને જણાવવાને તમારી પરવાનગી ઈચ્છું છું”

બંગાળ સરકારે જેલમાં બેસાડેલા દેશબંધુ દાસ સાથે ખાનગીમાં મસલત કરી, તેમની તથા અબુલ કલામ આઝાદ પાસે ગાંધીજી ઉપર નીચે પ્રમાણે તાર કરાવ્યા:

“કલકત્તા, તા. ૧૯મી ડિસેમ્બર. નીચેની શરતોએ હડતાલ ખેંચી લેવાની અમે ભલામણ કરીએ છીએ: ૧. કૉંગ્રેસે કાઢેલા બધા પ્રશ્નોનો વિચાર કરવા સરકાર એક પરિષદ તરત નીમે. ૨. સરકારે તાજેતરમાં જે જાહેરનામું બહાર પાડ્યું છે તે તથા પોલીસ તથા મૅજિસ્ટ્રેટોના હુકમો પાછા ખેંચી લે. ૩. આ નવા કાયદાની રૂએ પકડેલા બધા કેદીઓને બિનશરતે છોડી દે. તરત જવાબ આપો.”
ગાંધીજીએ જવાબ આપ્યો:
“તાર પહોંચ્યો. પરિષદના સભ્યોનાં નામ તથા તારીખ અગાઉથી નક્કી થવાં જોઈએ. છોડવાના કેદીઓમાં ફતવા માટે પકડાયેલા — કરાંચીના સુધ્ધાં — કેદીઓનો સમાવેશ થવો જોઈએ. તમારી શરતો ઉપરાંત આટલી હોય તો મારે મતે હડતાલ પાછી ખેંચી લઈ શકીએ.”

ગાંધીજીની શરતોમાં અલીભાઈઓ અને લશ્કરમાં ફિતૂર કરવાના આરોપસર સજા પામેલા બીજા કેદીઓનો સમાવેશ થતો હતો. સરકારે આ શરતો કબૂલ ન કરી અને કલકત્તામાં પણ યુવરાજના સત્કારના બીજાં શહેરો જેવો જ ફજેતો થયો. દેશબંધુ દાસને ગાંધીજીએ ગ્રહણ કરેલું ધોરણ પસંદ ન પડ્યું અને છૂટ્યા પછી જાહેરમાં “ગાંધીજીએ ભારે થાપ ખાધી, તુમાખીમાં તુમાખી સરકાર નમવા તૈયાર થઈ હતી, પણ છબરડો વાળ્યો. હાથમાં આવેલી બાજી બગાડી” વગેરે ટીકાઓ કરી. આમાં ગાંધીજીએ થાપ ખાધી કે દાસબાબુ થાપ ખાવા તત્પર થયા હતા એ વાચકે વિચારવા જેવું છે. અનિશ્ચિત પરિષદના