પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
અસહકાર


અધ્રુવ વચન ઉપર વિશ્વાસ રાખી યુવરાજના સ્વાગતનો બહિષ્કાર પાછો ખેંચી લેવા ગાંધીજી તૈયાર ન હતા, ત્યારે એવા વચન ઉપર દાસબાબુ આશાના કિલ્લા ચણી રહ્યા હતા. છૂટનારા કેદીઓમાં કરાંચી કેસના અને ફતવાવાળા કેદીઓને શામેલ કર્યા વિના હડતાલ ઉઠાવવાનો વિચાર સુધ્ધાં ગાંધીજીને સ્પર્શ કરી શકતો નહોતો, જ્યારે દાસબાબુ કેદીઓને જેલમાં પડ્યા રહેવા દેવા તૈયાર હતા. વળી આ પરિષદ જે કાંઈ ઠરાવ ઉપર આવે તે ઠરાવ સરકારને બંધનકારક થશે એવી કબૂલત દાસબાબુ મારફત મોકલેલી શરતોમાં ક્યાં હતી? કશી બાજી હાથમાં આવ્યાનું ઉપરના તારમાં હતું જ નહીં.

એટલામાં અમદાવાદની કૉંગ્રેસની તારીખો આવી પહોંચી. એ અધિવેશનને આપણે અલગ પ્રકરણ જ આપીશું. અસહકારના આખા વર્ષમાં ઉપર જણાવેલી પ્રવૃત્તિઓ ઉપરાંત સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટી મારફત કેળવણી બાબતમાં સખત અસહકાર ચલાવેલ અને નડિયાદ તથા સુરત મ્યુનિસિપાલિટીઓને એવી જાતના અસહકારમાં દોરવણી આપેલી એની વિગતો પણ અલગ અલગ પ્રકરણમાં આપી છે.