પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૫

મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


૧૯૨૦ની નાગપુર કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયા પછી અને સરકારી કેળવણી, સરકારી અદાલતો, સરકારી ધારાસભાઓ અને પરદેશી કાપડ, એનો બહિષ્કાર એ ચતુર્વિધ કાર્યક્રમનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો એક વરસમાં સ્વરાજ્ય આપણા ખોળામાં આવીને પડે એવી ગાંધીજીએ ઘોષણા કર્યા પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પણ પોતાની મર્યાદામાં રહી એ લડતમાં પોતાનો હિસ્સો આપવો એવા ઘણા કાઉન્સિલરોનો વિચાર થયો. તે માટે મ્યુનિસિપાલિટીને હસ્તક જેટલી કેળવણી હતી અને જે કેળવણીનો પ્રબંધ કરવાની તેની ફરજ ગણાતી હતી તે કેળવણી માટે સરકારની મદદ બિલકુલ ન લેવી અને સરકારનો તેના ઉપર કોઈ જાતનો અંકુશ ન સ્વીકારવો એ વિચાર ઉપર તેઓ આવ્યા. તેની પાછળ કઈ વિચારસરણી હતી તે ગાંધીજીએ આગળ ઉપર ‘નવજીવન’માં લખીને સ્પષ્ટ કર્યું હતું. તેમના જ શબ્દો અહીં આપું છું:

“તકરાર તો કેળવણીની હતી. દીવાબત્તી, પાયખાનાં, પાણી વગેરેમાં મ્યુનિસિપાલિટી સરકારને અનુકૂળ થવા જ ઈચ્છતી હતી. રસ્તાના દીવા સરકાર કરે તેથી આપણને ભારે નુકસાન ન હતું. આપણાં બાળકોનાં હૃદય-મંદિરમાં સરકાર જ્યોતિ પ્રગટાવે અથવા તેમનાં મગજને સરકાર ઘોળે એ આપણને અસહ્ય હતું. એ જ્યોતિ અને ઘોળ સ્વાભાવિક ન હતાં. તેથી આપણે કેળવણીને રાષ્ટ્રીય બનાવી. આ જ વિષય ઉપર ‘હા’ ને ‘ના’ ને વેર થયું. આમાં શહેરીઓ સર્વોપરી રહી શકે છે. રસ્તા સરકાર સાફ કરે તો ભલે કરે. રસ્તા કંઈ આપણે સાફ કરવા એને ત્યાં મોકલતા નથી. પણ બાળકોને તો આપણે મરજીથી નિશાળોમાં મોકલીએ ત્યારે જ સરકાર તેઓને ભણાવે. એટલે કેળવણીની બાબતમાં શહેરીઓ વિચાર માત્ર કરે તો તેની સ્વતંત્રતા પૂરી રીતે જાળવી શકે છે.”

કલકત્તાની કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ થયા પછી, મ્યુનિસિપાલિટીના સભ્યોમાંથી કેટલા અસહકારમાં સાથ આપી શકે એમ છે એ ચોક્કસ જાણી લેવા માટે ૧૯૨૦ના ઑકટોબરમાં સરદારે બે શિક્ષકો પાસે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીને કાગળ લખાવ્યો કે અમે કૉંગ્રેસના અસહકારના ઠરાવનું પાલન કરવા ઈચ્છીએ છીએ, જો મ્યુનિસિપલ સ્કૂલ કમિટી પણ શાળાઓને અસહકારી બનાવવા ઇચ્છતી હોય તો અમને બહુ આનંદ થશે અને તેમ ન ઈચ્છતી હોય તો આને અમારું રાજીનામું

૧૬૦