લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


ગણશો અને અમને નોકરીમાંથી છૂટા કરશો. મ્યુનિસિપલ બોર્ડમાં આ કાગળ ઉપર સારી પેઠે ચર્ચા થઈ. તેમાં કેટલા સભ્ય અસહકાર કરવાના ઉત્સાહવાળા, કેટલા પોતાના મતદારોના અભિપ્રાય જાણી લઈ જે તે પગલું ભરવું એવા વિચારવાળા અને કેટલા અસહકારનો વિરોધ કરનારા હતા એ જણાઈ આવ્યું. પણ પોતાના મતદારોનો અભિપ્રાય લેવાની સભાસદોને તક મળે તે માટે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો. ત્યાર બાદ નાગપુર કૉંગ્રેસ પછી શહેરીઓની રૂખ એકંદરે કેવી છે તે જાણી લઈને તા. ૩-ર-’૨૧ની જનરલ બોર્ડની મીટિંગમાં સરદાર નીચે પ્રમાણે ઠરાવ લાવ્યા:

“નાગપુરની કૉંગ્રેસમાં સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રના આદેશને માન આપી, આ બોર્ડ એવું ઠરાવે છે કે મ્યુનિસિપલ શાળાઓમાં, પ્રાથમિક કેળવણી ઉપર સરકારનો જે અંકુશ છે તે ફગાવી દેવાની દૃષ્ટિએ હવેથી સરકારની કેળવણીગ્રાન્ટ બિલકુલ લેવી નહીં.
“આ ઠરાવની નકલ સરકારને મોકલી આપવી.”’

એના ઉપર બે કાનૂની વાંધા ઉઠાવવામાં આવ્યા:

૧. ઠરાવમાં કૉંગ્રેસનો ઉલ્લેખ આવે છે તે બરાબર છે કે કેમ?
૨. ‘મ્યુનિસિપલ શાળાઓમાં પ્રાથમિક કેળવણી ઉપર સરકારનો જે અંકુશ છે તે ફગાવી દેવાની દષ્ટિએ’ એ શબ્દો ઠરાવમાં છે તે બરાબર છે કે કેમ?

પ્રમુખે નિર્ણય આપ્યો કે, કૉંગ્રેસના અથવા તો બીજી કોઈ બહારની સંસ્થાના નિર્ણયો અનુસાર મ્યુનિસિપાલિટી ચાલે નહીં, છતાં તેનો ઉલ્લેખ કાનૂન બહાર નથી, કેમ કે તેથી આ ઠરાવ લાવવાનું કારણ જ સૂચવાય છે. પણ મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાઓ ઉપર સરકાર કાયદાની રૂએ અમુક અંકુશ ધરાવે છે માટે ‘સરકારનો અંકુશ ફગાવી દેવાની દષ્ટિએ’ એ શબ્દો કાનૂન બહાર છે અને એ આ ઠરાવમાંથી કાઢી નાખવાનું હું ઠરાવું છું. એટલે ઠરાવમાંથી એટલા શબ્દો કાઢી નાખવામાં આવ્યા. એ શબ્દો વિનાના ઠરાવ ઉપર ઘણા સુધારા સૂચવાયા અને બહુ ચૂંથણાં થયાં હતાં છેવટે સરદારનો ઠરાવ ભારે બહુમતીથી પસાર થયો.

પણ આ ઠરાવ લાવવામાં મુખ્ય ઉદ્દેશ સરકારનો અંકુશ ફગાવી દેવાનો હતો જ, એટલે સ્કૂલ્સ કમિટીએ તા. ૧૧-ર-’૨૧ના રોજ ઠરાવ કર્યો કે:

“જનરલ બોર્ડના તા. ૩-ર-’૨૧ના ઠરાવની દૃષ્ટિએ સ્કૂલ્સ કમિટી એવા અભિપ્રાયની છે કે મ્યુનિસિપલ શાળાઓની વાર્ષિક પરીક્ષા નિરીક્ષણ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અથવા તેના મદદનીશાએ કરવું જોઈ એ નહીં.”