પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સરદાર વલ્લભભાઈ


એ ઠરાવ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને એની જાણ માટે મોકલવામાં આવ્યો અને તેની સાથે કાગળ લખ્યો કે, વાર્ષિક પરીક્ષાઓ માટે તમારે આવવું નહીં અને તમારા મદદનીશોને પણ ન આવવાની સૂચના આપી દેવી. બીજી તરફથી સ્કૂલ્સ કમિટીએ પોતાના સુપરવાઈઝરોને પરીક્ષાઓનું કામ ઉકેલી નાખવાની સૂચના આપી.

એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટરે મ્યુનિસિપાલિટીના પ્રમુખને તા. ૧૪-૨-’૨૧ના રોજ કાગળ લખ્યો કે, સ્કૂલ્સ કમિટીનો ઠરાવ કાયદાથી વિરુદ્ધ છે માટે તમારે સ્કૂલ્સ કમિટીને સૂચના આપવી કે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અને તેમના મદદનીશોને પરીક્ષાઓનું અને નિરીક્ષણનું કામ કરવા દે.

પ્રમુખે સ્કૂલ્સ કમિટીના ચેરમેનને લાંબો કાગળ લખીને જણાવ્યું કે, તમારો ઠરાવ કાયદાથી વિરુદ્ધ છે માટે એ ઠરાવને હું સસ્પેન્ડ કરું છું અને આ પ્રશ્ન જનરલ બોર્ડમાં મૂકવાની ગોઠવણ કરું છું. એ મુજબ તા. ૨૮-૨-’૨૧ની જનરલ બોર્ડની મીટિંગમાં આ પ્રશ્ન રજૂ થયો. પ્રમુખે દરખાસ્ત મૂકી કે, સરકારના કેળવણી ખાતાને કાયદા પ્રમાણે આપણી નિશાળની પરીક્ષાઓ લેવાનો તથા નિરીક્ષણ કરવાનો અધિકાર છે, માટે એને લગતા નિયમનું પાલન કરવું. સરદારે ડૉ. કાનુગાના ટેકાથી સુધારો મૂક્યો કે, જનરલ બોર્ડના તા. ૩-ર-’૨૧ના ઠરાવનો સ્કૂલ્સ કમિટીએ જે અર્થ કર્યો છે તે આ બોર્ડ માન્ય રાખે છે અને ઠરાવે છે કે કાગળો દફતરે કરવા. પ્રમુખે નિર્ણય આપ્યો કે, આ સુધારામાં કાયદાનો ભંગ અભિપ્રેત છે, માટે તેને હું કાનૂન બહાર ઠરાવું છું. એટલે કૃષ્ણલાલ નરસીલાલે કાળિદાસ ઝવેરીના ટેકાથી બીજો સુધારો મૂક્યો કે, પ્રમુખના સ્કૂલ્સ કમિટી ઉપરના તા. ૧૫-૨-’૨૧ના કાગળથી માંડીને બધા કાગળો દફતરે કરવા. આના ઉપર ઘણા સુધારા રજૂ થયા, તે બધા ઊડી ગયા. છેવટે પ્રમુખના ઠરાવ અને કૃષ્ણલાલના સુધારા પર મત લેવાતાં કૃષ્ણલાલનો સુધારો બહુમતીથી પસાર થયો.

આમ સામસામે પેંતરા રચાવા માંડ્યા. ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે તા. ૧૧-૩-’૨૧ના રોજ પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે, કેળવણી ખાતાને સત્તા છે એ રૂએ હું આવતી કાલે નિશાળની પરીક્ષા લઈશ. પ્રમુખે આ કાગળ સ્કૂલ્સ કમિટીના ચેરમૅનને મોકલ્યો. તેમણે તરત જ પ્રમુખને જવાબ આપ્યો કે, પરીક્ષાઓ તો લેવાઈ ચૂકી છે. માટે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને જણાવવા કૃપા કરશો કે તેઓ ફરી પરીક્ષા લઈ શકે નહીં. ત્યાર બાદ એજ્યુકેશનલ ઇન્સપેકટરે પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે, તમે સ્કૂલ્સ કમિટીને જણાવો કે ચોથા ધોરણની પરીક્ષા અમારા નિયમ પ્રમાણે નહીં લેવાય તો એ