પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સરદાર વલ્લભભાઈ


ના પાડી, એમ ચોખ્ખું કહીને કે તમે અસહકાર કરો છો પછી સરકારે તમને શું કામ મદદ કરવી જોઈએ ? પણ મ્યુનિસિપાલિટીને લોકોનો સહકાર અને સાથ એવાં હતાં કે મકાનો અને જમીનના માલિક સાથે વાટાઘાટો કરીને સરકારની દરમ્યાનગીરી વિના મ્યુનિસિપાલિટીને એ મકાનો અને જમીનો મળ્યાં અને શહેરના સુધારાની નક્કી કરેલી યોજના પ્રમાણે મ્યુનિસિપાલિટીનું કામ જરાયે અટક્યા વિના ચાલી શક્યું.

મ્યુનિસિપાલિટીના ટેક્સનો આંકડો નક્કી કરવા માટે ઘરનાં ભાડાંની આંકણી કરવામાં આવે છે અને તેની સામે જેને વાંધો હોય તેમની અપીલ સાંભળવા માટે ખાસ અમલદારો નીમવામાં આવે છે. સરકારને આવા અમલદારો નીમવાનો અધિકાર હોય છે. પણ સરકારે ઉપરના જેવું જ કારણ આપીને અધિકારીઓની નિમણૂક કરવાની ના પાડી. પણ તેથીયે મ્યુનિસિપાલિટીનું કામ અટક્યું નહીં. મ્યુનિસિપલ ઍક્ટ મુજબ ઘરનાં ભાડાંની આંકણી સામેની અપીલો સાંભળવા માટે સરકારે નીમેલા ખાસ અમલદારને બદલે મ્યુનિસિપલ બોર્ડ પોતાના સભ્યોમાંથી ખાસ કમિટીઓ નીમી શકે છે. એટલે એવી કમિટીઓ નીમવામાં આવી. શ્રી દાદાસાહેબ માવળંકર કહે છે કે કમિટીઓમાં નિમાયેલા અમારે આશરે ત્રણ મહિના સુધી રોજ સવારમાં ત્રણ ત્રણ કલાક શહેરમાં આ કામ માટે રખડવું પડેલું, પણ તેથી લોકોને ઊલટો વધારે સંતોષ થયેલો.

આમ સરકારના સઘળા પાસા અવળા પડ્યા અને સરકારના અંકુશ ફગાવી દીધા છતાં અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓને ન તો વિદ્યાર્થીઓની તંગી પડી, ન તો શિક્ષકોની તંગી પડી અને સ્કૂલ્સ કમિટીના ચેરમેન શ્રી બલુભાઈ અને શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પ્રાણલાલ કિરપારામ દેસાઈ, એ બંનેની બાહોશીને લીધે તથા તમામ શિક્ષકોની હોંશ, ઉત્સાહ અને વફાદારીને લીધે શાળાઓમાં કાર્યદક્ષતાનું ધોરણ બહુ ઊંચું રહ્યું. છેવટે મુંબઈ સરકાર જાતે મેદાનમાં ઊતરી. અત્યાર સુધી ઉત્તર વિભાગના કમિશનર મિ. ઘોષલ હતા. પણ તાજેતરમાં જ તેમની બદલી થઈ હતી અને તેમની જગ્યાએ, પહેલાં ૧૯૧૭માં સરદાર સાથે મલ્લકુસ્તીમાં ઊતરી એમની પહેલવાનીનો સ્વાદ જેઓ ચાખી ચૂકેલા હતા અને ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહની લડતમાં જેમનો અમલદારી તોર કાંઈક ખંડિત થયો હતો, તે મિ. પ્રેટ આવ્યા હતા. પોતાના મનથી પોતે ખોયેલી આબરૂ પાછી મેળવવા તેમણે મ્યુનિસિપાલિટીને ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું.

પ્રથમ તો મ્યુનિસિપાલિટીની સામે જેટલાં તત્ત્વોને ઉશ્કેરી શકાય તેટલાંને ઉશ્કેરનાર અને મ્યુનિસિપલ કાઉન્સિલરી કેટલી અંગત જોખમદારી ખેડી રહ્યા છે તેનું સૂચન કરી તેમને ઢીલા પાડવાના પ્રયત્નો કરનાર એક ઠરાવ તા. ૨૩-૯-’૨૧ના રોજ સરકારે બહાર પાડ્યો :