પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


૬. બધા પક્ષોને પોતાની સ્થિતિ વિચારી લેવાનો વાજબી વખત મળે એ હેતુથી સરકારે એવો વિચાર રાખ્યો છે કે આગળ કાંઈ પણ પગલાં ભરતાં પહેલાં આ ત્રણે મ્યુનિસિપાલિટી પાસેથી ઑક્ટોબરની આખરે પરિસ્થિતિનો રિપોર્ટ મંગાવવો. પણ ત્યાં સુધીમાં મ્યુનિસિપાલિટીના કર ભરનારા શહેરીઓમાંથી કોઈને પણ જો એવી સલાહ મળે તો તેને કોઈ પણ જવાબદાર કાઉન્સિલર ઉપર દીવાની દાવો લાવવાની કશી રુકાવટ નથી.”

આ ઠરાવ બહાર પડ્યા પછી મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપર દાવો કરાવવાના પ્રયાસ સરકાર તરફથી શરૂ થયા. તેમાં નડિયાદ અને સુરતમાં તો ફાવ્યા નહીં, પરંતુ અમદાવાદમાં એક સરકાનિયુક્ત મ્યુનિસિપલ કાઉન્સિલર પાસે દાવો કરાવવામાં સફળતા મળી. આપણે આગળ જોઈશું કે સરકારે પોતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સત્તર કાઉન્સિલરો ઉપર દાવો કરેલો તે ખર્ચ સાથે નીકળી ગયો તેની સાથે જ આ દાવો પણ નીકળી ગયેલો. અંગત જવાબદારી આવી પડવાના ભયથી અસહકારી કાઉન્સિલરો ડરી જશે અને મ્યુનિસિપાલિટીમાં તેમની બહુમતી તૂટી જશે એવી સરકારે ઉમેદ રાખેલી. પણ તેમાંનું કશું બનવાને બદલે તા. ૨૪-૧૦-’૨૧ની મ્યુનિસિપલ જનરલ બોર્ડની મીટિંગમાં સરદારે શ્રી બલુભાઈના ટેકાથી નીચેની દરખાસ્ત મૂકી તે ભારે બહુમતીથી પસાર થઈ :

“ઠરાવવામાં આવે છે કે તા. ૨૩-૯-’૨૧ના સરકારી ઠરાવની જોહુકમી ભરેલી ભાષાથી અને તેમાં આપેલી સલાહ, જે કર ભરનારા શહેરીઓની ઉશ્કેરણી કરનારી છે અને જે કર ભરનારાઓ પ્રત્યે અમારી ફરજ બજાવવામાં દખલ કરે એવી છે, તેથી આ બોર્ડને દિલગીરી થાય છે.
“આ બોર્ડનો દાવો એવો છે કે કર ભરનારાઓની કેળવણીવિષયક જરૂરિયાતો વિષે સરકાર કરતાં અમે વધારે સમજીએ છીએ અને અમે એમ કહેવા ઇચ્છીએ છીએ કે કર ભરનારાઓની ઇચ્છા સ્પષ્ટ જાણી લઈને તેનો જ માત્ર અમે અમલ કર્યો છે.”

મ્યુનિસિપલ કાઉન્સિલરોને સમજાવી કાંઈ સમાધાન થઈ શકે તો કરવાના હેતુથી સ્થાનિક સ્વરાજ્ય ખાતું જે લોકનિયુક્ત સભ્યોને સોંપાયેલું (transferred subject) હતું તેના પ્રધાન સર રઘુનાથ પરાંજપે અમદાવાદ આવ્યા. તેઓ શેઠ અંબાલાલ સારાભાઈને બંગલે ઊતર્યા હતા. મ્યુનિસિપાલિટીના સહકારી સભ્યો એમને મળવા ગયા પણ સરદાર ન ગયા અને પ્રધાનને મુખ્ય તો એમને જ મળવું હતું. એટલે પરાંજપે સાહેબના કહેવાથી અંબાલાલભાઈએ એમને ચા માટે બોલાવ્યા. વાતચીતમાં સરદારે તો પ્રધાનને ચોખ્ખું પૂછ્યું કે આપણે સમાધાન કરીએ પણ ગવર્નર સાહેબ એ નામંજૂર કરે તો તમે શું કરશો ? સર રઘુનાથ આ પ્રશ્નને માટે તૈયાર નહોતા. સરદારની તો ગળાસુધી ખાતરી હતી કે મ્યુનિસિપાલિટી ભલે કાયદાની હદમાં રહીને લડત ચલાવતી