પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
સરદાર વલ્લભભાઈ


ઈન્સ્પેકટરને સોંપી દેવો તથા એ શાળાના ખર્ચ માટે આજથી સાત દિવસની અંદર રૂા. ૭૨,૦૦૦ની રકમ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને હવાલે કરવી.

મ્યુનિસિપલ પ્રમુખે આ હુકમ તા. ૨૩-૧૨-’૩૧ની જનરલ બોર્ડની ખાસ મીટિંગમાં મૂકો એમ શેરો કર્યો. ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તો તા. ૧૮ મીએ શાળાઓ ખૂલે તેવો જ એનો કબજો લેવાના હતા. તેઓ એમ ન કરી શકે માટે તથા કૉંગ્રેસનું અધિવેશન માસની આખરે અમદાવાદમાં ભરાવાનું હોઈ સઘળા કાર્યકર્તાઓ તેમાં રોકાયેલા હતા તેથી સ્કૂલ્સ કમિટીએ સર્ક્યુલર કાઢીને સઘળી શાળાઓમાં એક મહિનાની રજા પાડી દીધી અને તા. ૧૮મીએ સવારે અમદાવાદની પ્રજાને અપીલ કરતી નીચેની પત્રિકા સત્તર મ્યુનિસિપલ કાઉન્સિલરોની સહીથી બહાર પાડી :

“મ્યુનિસિપલ શાળાઓમાં આપનાં બાળકોને પ્રજાકીય કેળવણી મળી શકે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે નીચે સહી કરનારાઓએ આજ સુધી અમારાથી બનતું કર્યું છે. અમારો ચોક્કસ અભિપ્રાય છે કે તેથી બાળકોમાં નવું ચેતન આવ્યું છે. સરકારને એ વાત રુચી નથી. તેથી તેણે સખ્તાઈના ઉપાય લેવાનું શરૂ ક્યું છે. અમદાવાદ, સુરત અને નડિયાદ ત્રણે મ્યુનિસિપાલિટીઓ ઉપર ધાડ આવી છે. સુરત અને નડિયાદ મ્યુનિસિપાલિટીએ સરકારનો આ ઇરાદો જાણી પેાતાની શાળાઓ સ્થાનિક કેળવણી મંડળને સ્વાધીન કરી, છતાં સરકારે તાળાં તોડી જબરદસ્તીથી શાળાઓનો કબજો લીધો છે. અમદાવાદમાં આપણે કૉંગ્રેસને આમંત્રણ કરેલું હોવાથી આખા હિંદુસ્તાનના આગેવાનો આપણે આંગણે પધારવાના છે. ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રેટ ગુજરાતની કેળવણી બાબતમાં અસહકારની પ્રવૃત્તિ જોસભેર ચાલતી જોઈ ગભરાયા છે. તેમનો ઇરાદો કૉંગ્રેસ અને લીગની બેઠકો પહેલાં તે ચળવળને દાબી દેવાનો હોય એમ ચોક્કસ જણાય છે. કૉંગ્રેસના અધિવેશનમાં અંતરાય ઊભું કરવાનું કોઈ પણ બહાનું ન મળે તે માટે અમે તા. ૧૭મીથી એક માસને માટે મ્યુનિસિપલ શાળાઓ બંધ રાખવાનો ઠરાવ કર્યો છે. કમિશનર સાહેબના હુકમથી કેળવણી ખાતાવાળાઓ સ્કૂલ્સ કમિટીની ઑફિસનો કબજો ગઈ કાલે સાંજરે લઈ લીધો છે. અને તેમનો ઇરાદો શાળાઓ ખોલી નાખી શાળાએાનો વહીવટ પોતાના હાથમાં લઈ સરકારી ધોરણસર કેળવણી આપવાનો છે. અમે બધા કૉંગ્રેસના કામમાં રોકાયેલા છીએ તે પ્રસંગનો લાભ લઈ આ પગલું ભરવામાં આવ્યું હોય એમ અમારું માનવું છે. આજ સુધી અમે પ્રજાની ઇચ્છા મુજબ અમારાથી બની તેટલી સેવા કરી છે. અમે આશા રાખીએ છીએ કે કેળવણી ખાતા તરફથી ગમે તેવાં જાહેરનામાં બહાર પાડવામાં આવે તોપણ માબાપ છોકરાંઓને એક મહિનાની રજા દરમિયાન શાળાઓમાં મોકલશે નહીં. અમે કૉંગ્રેસના કામમાંથી છૂટા થયા પછી આ બાબતમાં યોગ્ય ઉપાયો લેવા ચૂકીશું નહીં. જે વખતે દેશના મહાન આગેવાનો