પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


છઠ્ઠીએ રાતે કલેક્ટર અને કમિશનરને બંગલે કેવી દોડાદોડી થઈ અને શા શા તાગડા રચાયા તેની બધી ખબર સરદારને પોતાના માણસો મારફત રાતે જ પડી ગઈ હતી. શિરસ્તા પ્રમાણે તો આ હુકમ મ્યુનિસિપલ ઑફિસમાં ચીફ ઑફિસર બારેક વાગ્યે આવે ત્યારે મ્યુનિસિપલ પ્રમુખ તેમને પહોંચાડે. તે પહેલાં સાતમીએ સવારે સરદારે સ્કૂલ્સ કમિટીની મીટિંગ બોલાવરાવી અને શિક્ષકોને પગાર મ્યુનિસિપલ ટ્રેઝરીમાંથી ચૂકવી દેવાનો ઠરાવ કરાવ્યો. ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટંટને ચેક ઉપર સહી કરવાની સત્તા હોય છે એટલે એને બોલાવી પગારની રકમનો ચેક લખાવી દસ વાગ્યે બૅન્ક ઊઘડે કે તરત ચેકનાં નાણાં મંગાવી સ્કૂલ્સ કમિટીના ચેરમૅને શિક્ષકનો પગાર વહેંચી દીધો. ચીફ ઓફિસર બાર વાગ્યે ઓફિસમાં આવ્યા. રાતની બધી વાતમાં પોતે શામેલ હતા એટલે કલેક્ટરના હુકમની એમને ખબર તો હતી જ. છતાં મ્યુનિસિપલ પ્રમુખ મારફત એ હુકમની નકલ પોતે આવ્યા ત્યારે મળી અને તે સ્કૂલ્સ કમિટીને પહોંચાડે તથા એનો અમલ કરે તે પહેલાં તો શિક્ષકોનો પગાર વહેંચાઈ પણ ગયો હતો.

ચીફ ઑફિસરના આવ્યા પછી કલેક્ટરના હુકમની નકલ મેનેજિંગ કમિટીના ચૅરમૅન તરીકે સરદારને શિરસ્તા પ્રમાણે મળી. સરદારે તરત ચીફ ઑફિસરને યાદી લખી કે, “ગઈ કાલની મીટિંગ થયા પછી તરત પ્રોસીડિંગ્સની નકલ કલેક્ટરને શી રીતે મળી તે જણાવો.” ચીફ ઑફિસરે જવાબ આપ્યો કે, કલેક્ટરે મોઢે હુકમ આપ્યો હતો તેથી તે જ રાતે પ્રમુખ સાહેબની સહી લઈને એ તેમને પહોંચાડવામાં આવી હતી.” સરદારે તુરત જ મૅનેજિંગ કમિટીની મીટિંગ બોલાવી નીચે પ્રમાણે ઠરાવ પસાર કરાવ્યો :

“આ કમિટીને એ જોઈ ને બહુ દુ:ખ થાય છે કે મ્યુનિસિપાલિટી સાથે સંબંધ ધરાવતા જવાબદાર માણસોએ મ્યુનિસિપાલિટીને તકલીફમાં ઉતારવાના ચેાખ્ખા ઇરાદાથી બોર્ડનો ઠરાવ સ્થગિત રખાવવા માટે કલેક્ટરને બંગલે રાતોરાત દોડાદોડી કરવાની કારવાઈમાં ભાગ લીધો છે. ઠરાવ પસાર થાય તે જ રાતે તેની નકલ મેળવવા કલેક્ટર આતુર છે એમ પ્રમુખ સાહેબે અથવા ચીફ ઑફિસરે મ્યુનિસિપલ મેમ્બરને જણાવવાનું ઉચિત ન માન્યું એ દુઃખની વાત છે. એ ઉઘાડું દેખાય છે કે ઠરાવના અમુક ભાગને સ્થગિત કરનારો હુકમ છઠ્ઠીએ રાતે જ પસાર કરેલો હોવો જોઈએ અને તા. ૭મીએ ઑફિસ વખતની બહુ અગાઉ પ્રમુખ સાહેબ અથવા ચીફ ઑફિસરને મળી ગયેલો હોવો જોઈએ. આ કમિટીનો એવો અભિપ્રાય છે કે મ્યુનિસિપલ પ્રોસીડિંગ્સની નકલો કોઈ પણ સરકારી અમલદારને ઑફિસના ચાલુ શિરસ્તાની બહાર જઈને મૅનેજિંગ કમિટીની પરવાનગી સિવાય આપવી જોઈએ નહીં. સ્થગિત કરવાના હુકમની બાબતમાં કમિટી જણાવે છે કે, ઠરાવનો સ્થગિત કરેલો ભાગ અમલી સ્વરૂપનો નહીં હોવાથી સ્થગિત કરવાનો હુકમ નિરર્થક છે. સ્કૂલ્સ