પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સરદાર વલ્લભભાઈ

કમિટીને મ્યુનિસિપલ શાળાઓ નિભાવવાની તથા તેનો વહીવટ કરવાની જે સત્તા છે તે કાંઈ કલેક્ટરે સ્થગિત કરેલા ઠરાવથી મળેલી નથી. તેથી સ્કૂલ્સ કમિટીની મજકૂર સત્તા જે એને કાયદાથી મળેલી છે તેને કલેક્ટરના સ્થગિત કરવાના હુકમથી કશો બાધ આવતો નથી. સ્થગિત કરવાના હુકમનો અર્થ તો એટલો જ થાય છે કે સ્કૂલ્સ કમિટીના અધિકાર અને સત્તા ચાલુ જ રહે છે એની કમિશનરને ખબર આપવી નહીં પણ એમ જણાય છે કે પોતે જે પગલું લીધું છે તેની કમિશનરને જાણ કરીને કલેક્ટરે એને ખબર આપી જ દીધી છે. તેથી આ કમિટી ભલામણ કરે છે કે કલેક્ટરનો હુકમ ફાઇલ કરવો. કાગળો સ્કૂલ્સ કમિટી મારફત જનરલ બોર્ડ તરફ રવાના કરવા.”

કલેક્ટરના હુકમમાં રહી ગયેલી ગંભીર ખામી મૅનેજિંગ કમિટીએ પોતાના ઉપરના ઠરાવમાં બહાર પાડી તે હકીકતની જાણ કમિશનરને તુરતાતુરત મ્યુનિસિપાલિટીના કોઈ અમલદારે કરી હોવી જોઈએ. એટલે કમિશનરે તે જ દિવસે મ્યુનિસિપાલિટીને પોતાનો સુધારેલો હુકમ પહોંચાડ્યો :

“વસ્તુરિથતિ તદ્દન સ્પષ્ટ થાય તે ખાતર કલેક્ટરના હુકમમાં હું ફેરફાર કરું છું અને નીચેનો હુકમ મોકલી આપું છું :
“મ્યુનિસિપાલિટીના તા. ૬-૧-’૧૨ના ઠરાવ ઉપરથી જણાય છે કે કમિશનરના કલમ ૧૭૮ (૨) મુજબના તા. ૨૭–૧૨–’૨૧ના રોજના હુકમનું મ્યુનિસિપાલિટી ગેરકાયદે રીતે ઉલ્લંધન કરવાનો ઇરાદો રાખે છે અને સ્કૂલ્સ કમિટી મારફત જ પોતાની શાળાઓ નિભાવવાનું અને તેનો વહીવટ કરવાનું ચાલુ રાખવાનો ઇરાદો રાખે છે. તેથી ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૪ અનુસાર આપવામાં આવેલી સત્તાની રૂએ હું મ્યુનિસિપાલિટીને મનાઈ ફરમાવું છું કે જ્યાં સુધી ઉપર જણાવેલ કમિશનરનો હુકમ ઊભો છે ત્યાં સુધી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને નિભાવવાનું તથા તેનો વહીવટ કરવાનું કામ મ્યુનિસિપાલિટીએ કરવું નહીં.”

આમ સાતમી તારીખે આખો દિવસ તડાતડી ચાલી. પગાર માટે ચેક કાઢ્યો તે બાબત ઑડિટરે વાંધો ઉઠાવેલો. પણ મૅનેજિંગ કમિટીએ તેનો વાંધો ઉડાવી દીધો એટલે એ પણ ગભરાટમાં પડ્યો. કલેક્ટરનો હુકમ બાજુએ રહી ગયો અને શિક્ષકોનો પગાર વહેંચાયો. પર્સનલ આસિસ્ટંટ જેણે ચેક ઉપર સહી કરેલી તેને પણ ચીફ ઑફિસરે ગભરાવેલો કે તમારે સ્કૂલ્સ કમિટીનાં બિલ કે ચેક ઉપર સહી ન કરવી જોઈએ. એટલે એણે મૅનેજિંગ કમિટીને લેખી સવાલ પૂછ્યો કે, આવા પરસ્પર વિરોધી હુકમ હોય ત્યાં મારે શું કરવું ? કલેક્ટર અને કમિશનરનો હુકમો મ્યુનિસિપલ નોકરોને મ્યુનિસિપલ બોર્ડના હુકમનો અમલ કરતાં રોકે છે કે કેમ ?

આના ઉપર સરદારે મૅનેજિંગ કમિટી પાસે તા. ૯-૧-’૨૨ના રોજ નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યો :