પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સરદાર વલ્લભભાઈ

નથી. તમે કહો છો કે ખબર ન આપવી તો અમે ખબર નહી આપીએ. પછી કમિશનરે બીજો હુકમ મોકલ્યો છે પણ એ એના અધિકારની બહારનો છે. મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૪ (૨) અનુસાર એને કલેક્ટરનો હુકમ રદ કરવાની અથવા કશા પણ ફેરફાર કર્યા વિના ચાલુ રાખવાની જ સત્તા છે. તેને બદલે તે તો બીજો નવો જ હુકમ મોકલે છે. વળી એ હુકમ પણ ગેરકાયદે છે, કારણ પ્રાથમિક શાળાઓ ચલાવવાની મ્યુનિસિપાલિટીને જે સત્તા છે તે સત્તાનો ઉપયેાગ કરતાં કોઈ તેને રોકી શકતું નથી. માટે બધા કાગળો દફતરે કરવા. સ્કૂલ્સ કમિટી તથા મૅનેજિંગ કમિટીએ મ્યુનિસિપલ તિજોરીમાંથી શિક્ષકોને પગાર આપ્યો છે તેને આ બોર્ડ મંજૂરી આપે છે.”

આ ઠરાવ બહુમતીથી પસાર થયો. આ ઠરાવની નકલ સ્થાનિક સ્વરાજ્ય ખાતાના પ્રધાન ઉપર મોકલી તેમને વચ્ચે પડવાની વિનંતી કરવામાં આવી. તેમના તરફથી જવાબ આવ્યો કે, “ઠરાવ ગવર્નર-ઇન-કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.” પણ તેને જવાબ આપવો ભારે થઈ પડ્યો હશે અને કમિશનર સાહેબને ખાતરી થઈ જ ગઈ હતી કે કોઈ રીતે મ્યુનિસિપાલિટીને નમાવી શકાય એમ નથી, એટલે છેવટે ૯-૨-’૨૨ના રોજ મ્યુનિસિપલ બોર્ડને સરકારી હુકમથી બરતરફ કરવામાં આવ્યું.

શાળાઓના કબજાની અને વહીવટની લડત ચાલતી હતી તે દરમિયાન મ્યુનિસિપાલિટીને બીજી રીતે હેરાન કરવાના પ્રયત્ન કમિશનર સાહેબે ઓછા નહોતા કર્યા તે આપણે ઉપર જોઈ ગયા છીએ. આ બધી તડાતડી થઈ ત્યાર પછી ‘નવજીવન’ના પ્રતિનિધિએ સરદારની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ બોર્ડમાં અસહકાર પક્ષનું કેટલું બળ છે એ સવાલના જવાબમાં સરદારે આપેલો જવાબ નોંધવા જેવો છે :

“હાલના બોર્ડની મુદત પૂરી થવા આવી છે. ફક્ત બે જ માસ ખૂટે છે. હાલના બોર્ડમાં અમારી બહુમતી ઘણી થોડી છે. પરંતુ કમિશનર સાહેબની આપખુદીથી તેમ જ મ્યુનિસિપાલિટીને સતાવવામાં તેમણે વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરેલું હોવાથી કેટલાક ચુસ્ત સહકારી સભ્યો પણ હાલની લડાઈમાં અમારી સાથે સંપૂર્ણ રીતે સામેલ છે. ખરી રીતે અત્યારે મ્યુનિસિપાલિટી અને કમિશનર વચ્ચે ચાલતી લડતમાં આગેવાનીભર્યો ભાગ કેટલાક સહકારી ભાઈઓ એ જ લીધો છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સહકારી અને અસહકારી સભ્યો વચ્ચે કાંઈ કડવાશની લાગણી નથી એટલું જ નહીં, પરંતુ અસહકાર શરૂ થતાં પહેલાં અમારે એકબીજા સાથે જેટલી મિત્રાચારી હતી તેટલી જ અમે જાળવી રહ્યા છીએ. અને એકબીજાની લાગણી કોઈ પણ રીતે દુભાય નહીં તે સારુ બન્ને પક્ષ હમેશાં ઇંતેજાર રહ્યા છે.”

મ્યુનિસિપાલિટીને બરતરફ કર્યા પછી સરદારે એ વિષે તા. ૧૯-ર-’૨રના ‘નવજીવન' માં એક લેખ લખી સરકારના હુકમો કેવા ગેરકાયદે હતા તે બતાવ્યું.