પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૧૬
અમદાવાદની કૉંગ્રેસ – ૧૯૨૧

નાગપુર કૉંગ્રેસ વખતે જ ગુજરાત તરફથી કૉંગ્રેસના અધિવેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ સ્વીકારાયું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિએ અમદાવાદમાં કૉંગ્રેસ ભરવાનું નક્કી કર્યું. અમદાવાદમાં પહેલાં ૧૯૦૨માં કૉંગ્રેસ ભરાયેલી, એટલે ઘણે વર્ષે અમદાવાદમાં આ કૉંગ્રેસ ભરાતી હતી. તેને લીધે અમદાવાદ શહેરનો એ વિષે ખૂબ ઉત્સાહ હતો. પણ ઉત્સાહનું મોટું કારણ તો આ વર્ષ સ્વરાજ્યનું ગણાતું હતું તે હતું. જેમાં એવી આશા પ્રગટેલી હતી કે અમદાવાદની કૉંગ્રેસમાં આપણે સ્વરાજ્યનો ઉત્સવ ઊજવવા એકઠા થવાનું હશે. એ ઉત્સાહની સાથે વિશાળ પાયા ઉપર સુંદર રચના કરવાની કુદરતી શક્તિ અને કુનેહવાળા સરદાર સ્વાગત પ્રમુખ તરીકે અને દરેક કામની ઝીણી વિગતો ઉપર બરાબર ધ્યાન આપી તેની વ્યવસ્થિત ગોઠવણી કરવાની ટેવવાળા દાદાસાહેબ માવળંકર સ્વાગતમંત્રી તરીકે મળ્યા. અને બધી તૈયારીમાં નવી દ્રષ્ટિ અને નવી પ્રેરણા આપનારા ગાંધીજી તો બેઠા જ હતા.

નવા બંધારણ મુજબની આ પહેલી જ કૉંગ્રેસ હતી. એટલે પ્રતિનિધિઓની સંખ્યા મર્યાદિત — લગભગ છ હજારની હતી. પ્રતિનિધિ તરીકે જેઓ ન આવી શકે તેવાઓને કૉંગ્રેસના અધિવેશનનો લાભ લેવો હોય તો તેમને પ્રેક્ષક તરીકે આવવાની વ્યવસ્થા રાખેલી હતી. લિબરલ પક્ષના તથા બીજા સ્વતંત્ર પક્ષના નેતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીની કૉંગ્રેસમાં નેતાઓ માટે સારી વ્યવસ્થા થતી હશે પણ સામાન્ય પ્રતિનિધિઓ માટે વધારે ખર્ચ કરતાં પણ ખાવાપીવાની વ્યવસ્થા રેઢિયાળ રહેતી અને જાજરૂ, પેશાબખાનાં તથા સામાન્ય સફાઈ વિષે તો મૌન રાખવામાં જ માલ છે. સરદારનો સંકલ્પ હતો કે પ્રતિનિધિઓ, પ્રેક્ષક વગેરે પરોણાની રહેવાની, ખાવાપીવાની નાહવા-ધોવાની તથા શૌચ વગેરેની વ્યવસ્થામાં કશી મણા ન રહેવી જોઈએ. ગાંધીજીનો આગ્રહ સાદાઈનો હતો. પણ એમની સાદાઈમાં સફાઈ ઊલટી વધારે હોય, કચરા તથા મેલાની શાસ્ત્રીય વ્યવસ્થા હોય, મેલાને ગમે તેમ ઢાંકવાની વાત ન હોય. એટલે પાયખાનાં, પેશાબખાનાં તથા કચરાપેટીઓની સંખ્યા ઘણી મોટી

૧૮૨