પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
અમદાવાદની કોંગ્રેસ - ૧૯૨૧


રાખવામાં આવી અને તેની સફાઈ માટે કેવળ ભંગીઓ ઉપર આધાર ન રાખતાં હરિજન સેવામાં જૂના જોગી મામા સાહેબ ફડકેની સરદારી નીચે સફાઈ સ્વયંસેવકોની મોટી ટુકડી રાખવામાં આવી. પાયખાનાં તથા પિશાબખાનાં કેમ વાપરવાં તથા સામાન્ય સફાઈ માટે કેવી કાળજી રાખવી તેની ખુદ ગાંધીજીએ ઘડી આપેલી સૂચનાઓ અગાઉથી વર્તમાનપત્રોમાં આપવામાં આવી હતી. તે ઉપરાંત ઉર્દૂ, હિંદી તથા ગુજરાતીમાં છાપેલી પત્રિકાઓ પ્રતિનિધિઓમાં છૂટથી વહેંચવામાં આવી.

પીવાના તથા નાહવાના પાણી માટે અલગ વોટરવર્ક્સ ઊભું કરવામા આવ્યું હતું. કૉંગ્રેસનું સ્થળ નદીને કિનારે જ હોઈ ત્યાં નાહવાધોવાની સગવડ હતી જ. તે ઉપરાંત પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોના ઉતારાની પાસે સ્થળે સ્થળે નાહવાધોવાની પાકી વિશાળ ચોકડીઓ બાંધવામાં આવી હતી. ત્યાં જેને જોઈએ તેને ગરમ પાણી પૂરું પાડવામાં આવતું. બહેનો તથા નબળી તબિયતવાળાંને નાહવાને માટે ઓરડીઓ પણ બાંધવામાં આવી હતી. નાગપુરમાં જોવામાં આવ્યું હતું કે ઢોળાતા પાણીના નિકાસનો પૂરતો બંદોબસ્ત નહીં હોવાથી જ્યાં ત્યાં પાણીનાં તળાવડાં ભરાતાં હતાં. તે અહીં ન થવા પામે માટે ગટરની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ આ બધી વ્યવસ્થા કરવામાં પોતાથી થઈ શકે તે બધી જ મદદ કરી હતી. જમવાની સગવડથી પણ પ્રતિનિધિઓ અને પ્રેક્ષકો ખુશ થયા હતા. અત્યાર સુધીની કૉંગ્રેસમાં દેશી ઢબની અને વિલાયતી ઢબની એમ બે જાતની વ્યવસ્થા રાખવામાં આવતી. પણ અમદાવાદમાં એકલી દેશી ઢબની વ્યવસ્થા જ રાખવામાં આવી હતી. જેમને વિલાયતી ઢબની સગવડ જોઈતી હોય તેવાઓને અગાઉથી ખબર આપવાનું કહેવામાં આવ્યું હતું અને જેમના તરફથી ખબર મળી તેમની વ્યવસ્થા બારોબાર એ ઢબની હોટેલમાં કરવામાં આવી હતી. એવી હોટેલનાં નામઠામ, દરો વગેરે પણ સ્વાગત સમિતિ તરફથી વર્તમાનપત્રોમાં આપવામાં આવ્યાં હતાં. સ્વાગત સમિતિ તરફથી એક સામાન્ય રસોડું ચાલતું તેમાં ઠરાવેલા દરે સ્વચ્છ અને સારી રસોઈ મળતી. પણ કોઈ પ્રાંતવાળાને પોતાની ઢબની રસોઈ કરવી હોય તે જો પોતાનું રસોડું ચલાવવાની બધી જવાબદારી લેવા ખુશી હોય તો તેમને રસોડાની તથા વાસણકૂસણની સગવડ મફત આપવામાં આવી હતી અને સામાન્ય કોઠારમાંથી સીધું સામાન પડતર ભાવે પૂરું પાડવામાં આવ્યું હતું. થોડા ખર્ચે કૉંગ્રેસ જોવા આવવા ઈચ્છતા પ્રેક્ષકો માટે એક વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ રહે અને બેસે સૂએ. ત્યાં પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી અને ખાવાને માટે પૂરી શાક વગેરેની દુકાનની ગોઠવણ કરવામાં આવી હતી.