પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
અમદાવાદની કૉંગ્રેસ - ૧૯૨૧


કૉંગ્રેસના મંડપની પાસે જ એક ખુલ્લો વ્યાખ્યાન મંડપ રાખવામાં આવ્યો હતો. કૉંગ્રેસની બેઠકમાં ચાલતા કામ વિષે તથા અન્ય વિષય ઉપર પ્રસિદ્ધ નેતાઓ ત્યાં આવીને આમજનતા સમક્ષ ભાષણ આપતા. કૉંગ્રેસની સાથે એક સુંદર સ્વદેશી પ્રદર્શન ગોઠવ્યું હતું. તેમાં કાપડમાં હાથકંતામણ અને હાથવણાટની ખાદી જ રાખવામાં આવી હતી. તે વખતે ખાદી નવી નવી હતી એટલે પ્રદર્શનનો પ્રયોગવિભાગ જેમાં કપાસમાંથી ખાદી બનાવવા સુધીની બધી ક્રિયાઓ — ખાસ કરીને આંધ્રની બારીક ખાદીની ક્રિયાઓ — બતાવવામાં આવતી તે ખૂબ ધ્યાન ખેંચતી હતી. સાથે એક સંગીત પરિષદ પણ રાખી હતી. એના તરફથી પ્રસિદ્ધ સંગીતાચાર્યો અને ઉસ્તાદોના સંગીતના જલસા દરરોજ થતા. આમ લાખો લોકો ત્યાં આવે તેઓ ભલે કૉંગ્રેસની બેઠકમાં ભાગ ન લઈ શકે પણ વિવિધ જ્ઞાનદાયી મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે તથા દેશનેતાઓનાં ભાષણ સાંભળી રાષ્ટ્રીયતાનું પાન કરી શકે એવી વ્યવસ્થા રાખી હતી.

પ્રદર્શનની બધી વ્યવસ્થા શ્રી લક્ષ્મીદાસ આસરે અને સંગીત વિભાગની બધી વ્યવસ્થા સંગીતશાસ્ત્રી ખરેએ કરી હતી. પ્રદર્શનમાં ચિત્રકળા વિભાગ બહુ સમૃદ્ધ હતો. તે સજાવવામાં શ્રી રવિશંકર રાવળ તથા શ્રી કાકાસાહેબે પુષ્કળ શ્રમ લીધો હતો.

આ કૉંગ્રેસને વિષે લોકોમાં ઉત્સાહ એટલો બધો હતો કે તેમાં ઘણી વાર વિવેકની મર્યાદા રહેતી નહીં અને લોકોમાં તરેહવાર અફવાઓ ચાલતી. એક જોરદાર અફવા એવી હતી કે કૉંગ્રેસને પહેલે જ દિવસે મંડપ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને તે જ વખતે ગાંધીજી, સરદાર અને બીજા નેતાઓ દેશની સ્વતંત્રતા જાહેર કરશે અને સરકાર કૉંગ્રેસની બેઠક ઉપર ગોળીબાર કરશે. તે માટે ઈડરના રાણા કર્નલ પ્રતાપસિંહ પોતાના લશ્કર સાથે ખાસ આવવાના છે. એમના લશ્કરને રાખવા માટે કૉંગ્રેસના સ્થળની નજીક આવેલું અમદાવાદનું કોચરબ નામનું પરું તથા ગુજરાત કૉલેજનાં મકાન ખાલી કરાવવામાં આવનાર છે. આ અફવા એટલી જોરદાર થઈ અને તેણે અજ્ઞાન અને ભોળા લોકોમાં ગભરાટ પણ ફેલાવા માંડ્યો કે ગાંધીજીને ‘નવજીવન’ માં ‘પધારો કર્નલ પ્રતાપસિંહજી’ એ નામની નોંધ લખવી પડી.

સરદારે પણ ‘ખોટી અફવા’ એ મથાળાથી ખુલાસો બહાર પાડ્યો કે :

“લશ્કર આણવાની અને ગોળીબાર કરવાની બધી અફવાઓ તદ્દન ખોટી છે. તોફાની અને ડરપોક માણસોએ તે ચલાવેલી છે. આજે જ અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ મને મળ્યા હતા. તેમણે પોતે મને કહ્યું કે કૉંગ્રેસના અઠવાડિયામાં તેઓ એક પણ લશ્કરી સિપાઈ કે