પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
સરદાર વલ્લભભાઈ

હથિયારબંધ પોલીસનો વધારાનો સિપાઈ અમદાવાદમાં લાવવાનો નથી. અને કૉંગ્રેસના મંડપ કે નગર તરફ એ દિવસોમાં પોલીસ નજર સરખી પણ કરવાની નથી.”

અને સાચે જ તેઓ એ પ્રમાણે વર્ત્યા. ખાદીનગરમાં, પ્રદર્શનમાં તથા કૉંગ્રેસના મંડપમાં તો કૉંગ્રેસના સ્વયંસેવકો સઘળી વ્યવસ્થા રાખે જ પણ એલિસબ્રિજની પાર સરિયામ રસ્તા ઉપર મોટરની, ઘોડાગાડીઓની તથા લોકોની અવરજવરની તમામ વ્યવસ્થા પણ પોલીસે સ્વયં સેવકોને કરવા દીધી. સ્વયંસેવક દળના કૅપ્ટન શ્રી જીવણલાલ દીવાન હતા. તેમની દેખરેખ નીચે સ્વયંસેવકોને સુંદર તાલીમ આપવામાં આવી હતી. નાનામોટા સૌની સાથે વિનયથી અને અદબથી વર્તવાની અને મદદ કરવા તત્પર રહેવાની તથા કૉંગ્રેસ જોવા આવનારાં સહકારી ભાઈબહેન પ્રત્યે ખાસ વિનય જાળવવાની તેમ જ પોલીસના હુકમનું પાલન કરવાની સૂચનાઓ ગાંધીજીએ સ્વયંસેવકોને વખતોવખત આપી હતી.

અમદાવાદમાં જે વખતે કૉંગ્રેસની તડામાર તૈયારીઓ ચાલતી હતી તે વખતે ઉત્તર હિંદુસ્તાનમાં યુવરાજનો પ્રવાસ ચાલતો હતો. જે જે શહેરમાં તે જતા ત્યાં તેમના સ્વાગતનો સખત બહિષ્કાર થતો હતો. તે ન થઈ શકે તેટલા માટે સ્વયંસેવકોની તથા નેતાઓની સરકાર અગાઉથી ધરપકડ કરી લેતી હતી. એ કાર્યક્રમ પ્રમાણે દેશબંધુ દાસ જે કૉંગ્રેસના વરાયેલા પ્રમુખ હતા તેમની બંગાળ સરકારે કલકત્તામાં ધરપકડ કરી. ગાંધીજીએ તરત ‘નવજીવન’માં નોંધ લખી :

“આપણા પ્રમુખ પકડાયા તેથી આપણે જરાયે હડબડવું ન જોઈએ. આપણી કૉંગ્રેસમાં તેમનો આત્મા બિરાજતો હશે. . . . આપણી કૉંગ્રેસ મળે ત્યાં સુધીમાં આપણામાંના જે કોઈ જેલ બહાર રહ્યા હોઈએ તેમણે કોઈ એકને પ્રમુખનું કામ ચલાવવાને સારુ ચૂંટી કાઢવો રહ્યો. આથી વધારે શુભ અને મંગળ સંજોગોમાં આજ સુધી કોઈ કૉંગ્રેસની બેઠક મળી નથી. . . . આપણામાંના ઘણાખરા અગ્રેસરો જેલમાં હોય એ જ સ્વરાજ છે.
“અને આ બધી ખટપટ મૂકી જો સરકાર એકેએક અસહકારીને તા. ૨૬મી ડિસેમ્બર પહેલાં નજીકમાં નજીકના પોલીસ ચોકી ઉપર જઈને પકડાવાને સારુ હાજર થવાનો એક જ સામટો હુકમ કાઢે તે તો વળી હું સંપૂર્ણ સ્વરાજ્ય મળ્યું સમજું. એ શરતે તે, શ્રી વલ્લભભાઈ અને તેમની બહાદુર ટોળીએ આજે મહિનાઓથી રાતના દિવસ કરીને કૉંગ્રેસના પ્રતિનિધિઓ તેમ જ પ્રેક્ષકોને માટે ગુજરાતના પાટનગરને છાજે એ આવકાર આપવાને ચાહે તેવી ભારે તૈયારીઓ ભલે કરી હોય તો પણ કૉંગ્રેસની બેઠકને હું જતી કરું.…”