પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
અમદાવાદની કૉંગ્રેસ - ૧૯૨૧


પણ એ સદ્‌ભાગ્ય અમદાવાદની કૉંગ્રેસને ન સાંપડ્યું અને નક્કી કરેલા દિવસે કૉંગ્રેસની બેઠક મળી. દેશબંધુ દાસે પોતાનું ભાષણ લખી મોકલ્યું હતું. કૉંગ્રેસની બેઠકનું કામ ચલાવવા માટે દિલ્હીના હકીમ સાહેબ અજમલખાનજીને પ્રમુખ નીમવામાં આવ્યા. સરદારે સ્વાગતપ્રમુખ તરીકે બહુ જ ટૂંકુ ભાષણ કર્યું. આ અધિવેશન માટે કરેલી વિશેષ તૈયારીઓનો ખુલાસો આપતાં તેમણે કહ્યું :

“અમે આશા રાખી હતી કે આપણે સ્વરાજ્યની સ્થાપનાનો ઉત્સવ ઊજવવા ભેગા મળીશું અને તેથી તેવા પ્રસંગને છાજે એવા પ્રકારનું સ્વાગત કરવા અમે પ્રયત્ન કર્યો છે. એ શુભ અવસર ઊજવવાનું બની શક્યું નથી. દયાનિધિ પરમાત્માએ આપણી કસોટી કરવા અને આવા મોંઘા દાનને લાયક થવા આપણે માટે કષ્ટ મોકલ્યું છે. કેદના, શારીરિક હુમલાના, જબરાઈથી જડતીના, આપણાં કાર્યાલયો તથા શાળાઓનાં તાળાં તોડવાનાં - એ બધા પ્રસંગોને પાસે આવતા સ્વરાજ્યનાં ચોક્કસ ચિહ્નો માની લઈ તથા આપણા મુસલમાન ભાઈઓને તેમ જ પંજાબીઓને થયેલા જખમ ઉપર ઠંડા મલમ રૂપ ગણી લઈ આપના સ્વાગતને માટે કરેલા અમારા શણગારમાં, સંગીતના જલસામાં કે બીજા આનંદના કાર્યક્રમમાં અમે કોઈ રીતનો ફેરફાર કે ઘટાડો કર્યો નથી."

ખાદીનગર તથા મંડપોની રચના મુખ્યત્વે ગુજરાતમાં તૈયાર થયેલી ખાદીથી કરવામાં આવી હતી તે જણાવતાં કહ્યું :

“અત્યાર સુધીમાં આશરે બે લાખ રતલ ખાદી અમે તૈયાર કરી છે. . . . . આ બધા મંડપો તથા ખાદીનગર બાંધવામાં કરેલ ખાદીનો ઉપયોગ એ સ્વદેશીની બાબતમાં અમે શું કરી શક્યા છીએ તેનો પ્રત્યક્ષ પુરાવો છે.”

પછી ગુજરાતને દમનનો લાભ હજી મળ્યો નથી એ વિષે કહ્યું :

“બંગાળ, પંજાબ, સંયુક્ત પ્રાંત તથા બીજા પ્રાંતો જે અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે તેમાંથી અમે પસાર નથી થયા એ હું જાણું છું. હું આશા રાખું છું કે અમારી જે અહિંસાનો મેં કંઈક ગર્વથી ઉલ્લેખ કર્યો છે તે અહિંસા અશક્તિની નથી પરંતુ અમે સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા સંયમનું પરિણામ છે.”

પછી ગુજરાતની લડત માટેની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો :

"સુરત અને નડિયાદની મ્યુનિસિપાલિટીઓ પાસેથી રાષ્ટ્રીય શાળાઓનો જબરદસ્તીથી કબજો લઈ ને સરકારે અમને અમારી શક્તિ બતાવવાની તક આપી છે. અમદાવાદને પણ એ જ પ્રશ્ન ઉકેલવાનો છે. એ પ્રશ્ન છેવટે તો માત્ર કાયદાના સવિનય ભંગથી જ ઊકલશે. સામુદાયિક સવિનય કાયદાભંગને માટે બારડોલી તથા આણંદ તાલુકા ભારે તૈયારી કરી રહ્યા છે. આ