પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૭

મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

મ્યુનિસિપાલિટીની બરતરફીનો હુકમ તા. ૯-૨-’રરના ગુરુવારના સરકારી ગૅઝેટમાં બહાર પડ્યો કે તરત અમદાવાદના શહેરીઓની એક ગંજાવર જાહેર સભા મળી અને તેમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“અમદાવાદના શહેરીઓની આ જાહેર સભા ઠરાવ કરે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરી સરકારે પ્રજાની પ્રાથમિક કેળવણી પોતાને હાથ કરવા નિશ્ચય કરેલો હોવાથી, શહેરનાં બાળકોને સરકારના કાબુથી સ્વતંત્ર કેળવણી મળે તે માટે આ શહેરમાં એક પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળ સ્થાપવું અને તેની યોજના તૈયાર કરી અમલમાં મુકાય ત્યાં સુધી વાલીઓએ પોતાનાં બાળકોને સરકારના કાબૂવાળી મ્યુનિસિપલ શાળાઓમાં મોકલવાં નહીંં. સરકારના આ કૃત્ય સામે કેળવણી સિવાય બીજી બાબતમાં શાં પગલાં લેવાં તે હવે પછી નક્કી કરવામાં આવશે.
“પ્રજા તરફથી નિમાયેલા જે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ નીડરપણે પોતાની ફરજ બજાવી છે તેનાથી રાષ્ટ્રીય કાર્યને પુષ્કળ મદદ મળી છે એવો આ સભાનો અભિપ્રાય છે. અમારી સેવા બજાવતાં જોકે મ્યુનિસિપાલિટીની સત્તા ઝૂંટવી લેવામાં આવી છે છતાં અમારો વિશ્વાસ અમારા પ્રતિનિધિઓ ઉપર સંપૃર્ણ છે અને આજ સુધી તેમણે બતાવેલી સ્વદેશભક્તિ માટે અમે એ સર્વે સભાસદોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.”

નવા સ્થપાયેલા પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળે ચોથા ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તા. ૨૬–૨-’રરના રોજ લેવાની વ્યવસ્થા કરી અને તા. ૨૩મી સુધીમાં ૩૩ નિશાળો ખોલી; જેમાં ૧૮ છોકરાઓની અને ૧૦ છોકરીઓની, ૧ મિશ્ર અને ૪ ઉર્દૂ શાળાઓ હતી.

અમદાવાદની સાથે સુરતની મ્યુનિસિપાલિટી પણ એ જ કારણસર બરતરફ કરવામાં આવી હતી. એટલે અમદાવાદ અને સુરતના શહેરીઓને ઉદ્દેશીને ગાંધીજીએ તા. ૧૯-૨-’૨રના ‘નવજીવન’માં એક નોંધ લખી. તેમાં જણાવ્યું :

"તમારી ઉપરવટ થઈને સરકારે પોતાની કમિટી નીમી છે. તેમાં તમારા જ શહેરવાસીઓ કામ કરવા તૈયાર થયા છે એ જોઈ મને તો ખૂબ દિલગીરી થઈ છે. પણ તેથી કાંઈ નિરાશ થવાનું નથી. શહેરીઓની સહાય

૧૯૦