પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

વગર તેઓ કારભાર નહીં જ ચલાવી શકે. એ કમિટીની નિશાળોમાં એક પણ બાળક તમારા મોકલ્યા વિના તો ન જ જાય. તમારી ઇચ્છા વિના તમે કર પણ નહીં આપો. ભલે એક તરફથી બળાત્કારે નિમાયેલી સરકારની કમિટી ચાલે ને બીજી તરફથી તમારું શહેરી મહાજન ચાલે. તેમાંથી જણાઈ રહેશે કે પ્રજા કોની સાથે છે. . . .”

પછી વળી તા. ર૬-ર-’રરના ‘નવજીવન’ માં ‘અમદાવાદ સુરતની કસોટી’ એ નામના લેખમાં ગાંધીજીએ લખ્યું :

“. . . નવા સુધારામાં કેટલું પોકળ છે તેની આ બે મોટી મ્યુનિસિપાલિટીઓ બંધ કરવા જેવી બીજી સારી સાબિતી ન મળી શકે. જો શહેરી પ્રતિનિધિઓ આપખુદ હોત તો તેઓની સત્તા છીનવી લેવી કદાચ વાજબી ગણાત. પણ અહીં તો સરકાર જાણે છે, સ્થાનિક સ્વરાજ ખાતાના હિંદી પ્રધાન પણ જાણે છે કે શહેરીઓ અને તેમના પ્રતિનિધિઓ બંને આ ઝઘડામાં એક મત છે, બંને કેળવણીખાતું સ્વતંત્ર રાખવા ઇચ્છે છે. તેમ છતાં મ્યુનિસિપાલિટી સામે કાંઈ કાયદેસર ઇલાજ છે, તો તે લેવાને બદલે મ્યુનિસિપાલિટીને બંધ કરી છે. એટલે પ્રજામતની વિરુદ્ર સરકાર અને ‘આપણા’ પ્રધાન થયા છે ! આમ નવા સુધારામાં કેવળ આપખુદી જ ભરેલી છે.
“પણ સુધારાના ગેરલાભનો વિચાર કરવા કરતાં શહેરીઓને લાભ શેમાં છે એ જ આપણે તો વિચારવું આ સ્થળે યોગ્ય છે. આવી સામાન્ય બાબતમાં જો શહેરીઓ હારી જાય તો તેઓ સ્વરાજ્ય ભોગવવા લાયક નથી એમ હું તેને કહું અને જગત કહે. સ્વરાજ્યની લાયકાત જેમ તે મેળવવાથી સિદ્ધ થાય છે તેમ જ તે સાચવવાની શક્તિથી પણ સિદ્ધ થાય છે. બહારથી થતા હુમલા છતાં ટકી શકાય તો જ આપણે શક્તિમાન કહેવાઈએ. બહારનાં જંતુઓ ચઢાઈ કરે છતાં પણ આરોગ્યવાન રહી શકે તેનું જ શરીર સારું ગણાય. આ લડાઈનું મધ્યબિંદુ કેળવણી છે. બીજી બાબતમાં શહેરીઓ પોતાના હક સાચવે યા ન સાચવે પણ કેળવણીની બાબતમાં તો તેઓ હારે તો તદ્દન હાર્યા ગણાય, અને ચોખ્ખું એમ જ સાબિત થાય કે શહેરીઓ સ્વતંત્ર વિચાર કે કાર્ય કરતા નથી થયા. જો તેઓ ટેક છોડે તો એમ સિદ્ધ થાય કે પ્રતિનિધિઓ કળાવાન હતા તેથી સરકારની સાથે લડી લેતા હતા, તેમાં શહેરીઓને રસ આવતો હતો, પણ જાતે કંઈ કરવાની કે વિચારવાની તસ્દી લેતા ન હતા.
“તેથી બંને શહેરના શહેરીઓની પ્રથમ ફરજ એ છે કે પેાતાનાં બાળકોની કેળવણીનો કબજો તો પોતે પૂરેપૂરો રાખવો, એટલું જ નહીં પણ તે કેળવણીને એવા સુંદર પાયા ઉપર મૂકવી કે કોઈ સરકારની શાળામાં જવા લલચાય જ નહીં. . . .”

પછી તો ગાંધીજી પકડાયા અને ૧૮મી માર્ચે એમને છ વરસની સજા થઈ. પણ તેથી તે ઉલટો અમદાવાદના શહેરીઓનો ઉત્સાહ વધ્યો. કમિટીએ