પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાપિતા


ગાદીથી જુદા પડી બોચાસણમાં ગાદી સ્થાપેલી અને ત્યાં એક મોટું શિખરબંધી મંદિર બંધાવવા માંડેલું. સરદારના પિતાશ્રી આ બોચાસણવાળાના નવા પંથમાં ભળ્યા હતા અને શાસ્ત્રીજીના અનુયાયી થયા હતા. આ શાસ્ત્રીજી બળવો કરી વડતાલથી જુદા પડ્યા ત્યારે તેમની સાથે કેટલાક સાધુઓ અને પાળાઓ પણ ભળ્યા અને એ સુધારક ટોળીએ વડતાલના મંદિરના તાબાનાં જે મંદિરો ગામેગામ હતાં તેમનો કબજો લેવા માંડ્યો. એ કબજો લેવા જતાં, વડતાલના અસલ પક્ષના સાધુઓ અને પાળાઓ જેમના કબજામાં એ મંદિરો હતાં તેમની સાથે મારામારી થતી. આમ ગામેગામ બળજબરીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં સુલેહનો ભંગ થવા લાગ્યો. એટલે બન્ને પક્ષના સાધુઓ અને પાળાઓ ઉપર સુલેહનો ભંગ ન કરવા બદ્દલ જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા. આવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર પેલા શાસ્ત્રીજી હતા અને તેમની સાથે તેમના પક્ષના બીજા દસ બાર સાધુઓ અને પાળાઓ હતા. આ કેસ બોરસદના રેસિડેન્સી મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો. પિતાશ્રીના આગ્રહને લીધે સરદારે એ કેસ હાથમાં લીધેલો અને કેસની માંડવાળ કરાવી બેઉ પક્ષના તહોમતદારોને છોડાવેલા.

એમ કહેવાય છે કે પંજાબમાંથી અમુક લેઉવા પાટીદારો ગુજરાતમાં આવેલા અને તેમણે નડિયાદ, વસો, કરમસદ, ભાદરણ, ધર્મજ, સોજિત્રા વગેરે બાર ગામો વસાવેલાં. તેમાં આ છ ગામ મોટાં અને વિશેષ કુળવાન ગણાય છે. કરમસદ ગામ વસાવનાર મૂળ એક જ પુરુષ હતા. એટલે કરમસદમાં રહેનાર બધા પાટીદારો મૂળ એક જ કુટુંબની પ્રજા ગણાય. એ કુટુંબની શાખાઓ અને ઉપશાખાઓ ગામની જુદી જુદી ખડકીઓમાં વસેલી છે. ઝવેરભાઈવાળી ખડકીમાં વસ્તી કાંઈક વધારે એટલે ઝવેરભાઈ પાસે દસેક વીધાં જ જમીન આવેલી. વળી ઝવેરભાઈનું ખેતીમાં જરાય ધ્યાન નહી એટલે સ્થિતિ ગરીબ રહેલી. પણ એ બહુ સ્વતંત્ર મિજાજના અને કડક સ્વભાવના હતા. કોઈ પણ બાબતમાં કોઈથી દબાય તો શાના જ ? પહેલેથી ધર્મપરાયણ વૃત્તિના અને મંદિરમાં વધારે વખત ગાળતા. સરદાર ઘરમાં હોય ત્યારે બેસતા નથી, પણ આંટા મારવાની એમને ટેવ છે તે પિતાશ્રી તરફથી વારસામાં મળેલી છે. ઝવેરભાઈ મંદિરમાં કદી બેસી રહેતા નહીં. માળા ફેરવતા ફેરવતા અથવા ભજન ગણગણતા આંટા માર્યા કરવાની એમને ટેવ હતી. ગામની પંચાતમાં તે કદી ભાગ લેતા જ નહીં. પણ ભગવતી પુરુષ તરીકે ગામમાં એમનું માન સારું ગણાતું. સૌ એમની આમન્યા રાખતું અને કોઈનો વાંક હોય અને એ બે શબ્દ કહે તો સૌને સાંભળવા પડતા. વિઠ્ઠલભાઈ, સરદાર વગેરે ભાઈઓ એમને મોટાકાકા કહેતા. પણ ગામમાં સૌ